વિશ્વ પેંગ્વિન દિવસે ગુજરાત સાયન્સ સિટીમાં ત્રણ આફ્રિકન પેંગ્વિનના જન્મની અનોખી ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત સાયન્સ સિટીએ વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી જ્યાં ત્રણ આફ્રિકન પેંગ્વિનના સફળ સંવર્ધન પછી તેમના જન્મની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર ઉપસ્થિત રહ્યાં હતાં.
નવી પેંગ્વિન ઝુડીના નામ બાલુ, ડેઇઝી અને કીઆરા જાહેર કરવામાં આવ્યા. હવે આ નાનકડા પેંગ્વિનબાળકોને સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના પેંગ્વિન ઝોનમાં લોકો નજીકથી જોઈ શકશે.
આફ્રિકન પેંગ્વિન દક્ષિણ આફ્રિકા અને નામિબિયાના દરિયાકાંઠાના રહેવાસી છે અને હાલ IUCN દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે. માનવ પ્રવૃત્તિઓ અને આબોહવા પરિવર્તનના કારણે તેમની સંખ્યામાં આશરે ૯૭ ટકાનો ઘટાડો નોંધાયો છે અને હાલમાં માત્ર ૧૯,૮૦૦ જેટલા પેંગ્વિનજ બચ્યાં છે.
અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, “પેંગ્વિનના ત્રણ બચ્ચાંઓનો જન્મ સાયન્સ સિટિ માટે ગૌરવની વાત છે. આ પ્રાણી કલ્યાણ અને પર્યાવરણ જાગૃતિના સંદર્ભે મહત્વપૂર્ણ ઘટના છે. બાલુ, ડેઇઝી અને કીઆરા જળ જીવનના દૂત તરીકે લોકોમાં સંરક્ષણ અંગે સંદેશ લાવશે.”
પેંગ્વિન પ્રેમીઓ માટે સાયન્સ સિટીની મુલાકાત હવે વધુ રોમાંચક બનશે કારણ કે એક્વેટિક ગેલેરીમાં આ નાનકડાં બચ્ચાંઓને જોઈ શકાય છે, જે બાળકો અને પરિવારો માટે વિશેષ આકર્ષણ બની રહેશે.