
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ : આઠ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, મકાઈ અને મગફળી નો પાક ખેતરમાં વરસાદી પાણીમાં પલળ્યો
મેઘરજ તાલુકામાં રવિવાર મધ્યરાત્રીથી સોમવાર બપોર સુધીમાં આશરે દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદને કારણે ખેડુતોનો તૈયાર થયેલો પાક પલળી જતાં પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.તાલુકાના વિવિધ વિસ્તારોમાં રવિવારે મધ્યરાત્રિએ શરૂ થયેલો વરસાદ સતત સોમવાર બપોર સુધી ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદથી મેઘરજ તાલુકાના મગફળી, સોયાબીન અને મકાઈ જેવા પાકોને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક પલળી ગયો છે, તેમજ સુકો ઘાસ અને ચારો પણ ભીનો થઈ જતાં પશુપાલક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અચાનક પડેલા વરસાદને કારણે ખેડુતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. જગતના તાત હવે મૂંઝવણમાં મુકાયા છે. ખેડુતો તરફથી તાત્કાલિક ધોરણે પાકનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચુકવવાની માંગ ઉઠી છે.




