

ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સીમળી ગામ નજીક બાળકી હત્યા કેસના આરોપી અજય રાઠોડિયાને તપાસ અર્થે લઈ જતી પોલીસ વાનમાં ચોંકાવનારી ઘટના બની હતી. આરોપીએ PSIની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લઈ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
માહિતી અનુસાર, સતીસણા ગામની બાળકી હત્યા કેસના આરોપીને વધુ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સીમળી ગામ નજીક પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આરોપીએ PSIની સર્વિસ રિવોલ્વર કબજે કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ફાયર કરાયેલી એક ગોળી પોલીસ વાહનના કાચને ચીરીને ડ્રાઈવરના માથા ઉપરથી પસાર થઈ ગઈ હતી, જ્યારે બીજી ગોળી આરોપીના જ પગમાં વાગી હતી. ઘટનાના પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા (SP), LCB તથા SOGની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.
બાળકી હત્યા કેસની તપાસ દરમિયાન બનેલી આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



