
ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નર્મદા નદીના કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા, જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી અથવા મદદ માટે કંટ્રોલ રૂમ નંબર 02666-264272 પર સંપર્ક કરવા જણાવાયું છે.
નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. મોલેથા, દરિયાપુરા, અંબાલી , માલસર અને દિવેર સહિતના નર્મદા કાંઠાના ગામોમાં લોકોને નદીના કિનારાથી દૂર રહેવા અને નદી વિસ્તારમાં અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નદીમાં સ્નાન, માછીમારી કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ ગંભીર બને તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર માટે પણ લોકોને તૈયાર રહેવા જણાવાયું છે. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ માહિતી અથવા મદદ માટે કંટ્રોલ રૂમ નંબર 02666-264272 પર સંપર્ક કરી શકાય છે.



