SINORVADODARA

પ્રેમસંબંધની આડમાં યુવતીનું શોષણ, શિનોર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલ ગામમાં પ્રેમસંબંધની આડમાં યુવતી સાથે શોષણ અને છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે શિનોર પોલીસે આરોપી વિશાલભાઈ મહેન્દ્રભાઈ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, યુવતીએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ પહેલા મિત્રતા કેળવી ત્યારબાદ પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે આરોપીએ અનેક વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ફરિયાદ મુજબ, લાંબા સમય સુધી લગ્ન કરવાની વાતો કર્યા બાદ આરોપીએ લગ્ન કરવા ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે યુવતીને છેતરાયાની લાગણી થતાં તેણે પોલીસનો સહારો લીધો હતો.
ફરિયાદ મળતા જ શિનોર પોલીસે બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી તેને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવવાની શક્યતા છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
આ બનાવને પગલે શિનોર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સમાજમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. વસાવા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!