



ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામના ડોક્ટર આંબેડકર ફળિયામાં ગતરોજ રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલા વાડામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ઘટનાની જાણ કરજણ તથા ડભોઇ ફાયર બ્રિગેડને વારંવાર કરવામાં આવી હોવા છતાં ફાયર વિભાગની કોઈ ટીમ ઘટના સ્થળે પહોંચી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામજનોએ સ્વયં પાણીનો મારો ચલાવી અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક લોકોની મહેનત અને સમયસૂચકતાના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી. જોકે આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ શિનોર તાલુકામાં કાયમી ધોરણે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ફાયર વિભાગનું વાહન ફાળવવાની માંગ ઉઠાવી છે. જેથી ભવિષ્યમાં આવી આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે.



