

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા સેવાસદન ખાતે આજે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
માહિતી મુજબ, શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની 15 બેઠકો માટે તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે તા. 26 એપ્રિલે મતદાન યોજાયું હતું.
મતગણતરીના અંતિમ પરિણામ મુજબ તાલુકા પંચાયતની 15 બેઠકોમાંથી 13 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે માલસર અને મોટા કરાડા બેઠકો કોંગ્રેસે કબજે કરી છે.
જિલ્લા પંચાયતની 2 બેઠકોમાં સાધલી બેઠક ભાજપે જીતેલી છે, જ્યારે શિનોર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જેના કારણે જિલ્લા પંચાયતમાં બંને પક્ષે સમાન પ્રદર્શન નોંધાયું છે.
મતગણતરી દરમિયાન કેટલાક સ્થળોએ રસાકસી જોવા મળી હતી, છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.



