
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૦૨ જુલાઈ : આયુષ્યમાન ભારત યોજના ગંભીર બિમારીનો ભોગ બનેલા નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થઇ છે. કોઇપણ ખર્ચ વગર સરકારના સહયોગથી સારવાર,દવા સહિતની સુવિધાના કારણે અનેક દર્દીઓ રોગ સામે જીત મેળવીને સામાન્ય જીવન જીવવા સક્ષમ બન્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી ગરીબ પરિવારની બંસી કેન્સર સામેનો જંગ જીતીને હાલ ફરી સામાન્ય જીવન જીવી રહી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના વીડી ગામમાં રહેતા શૈલેષગર ગુંસાઈની ૮ વર્ષની પુત્રી બંસીને ઘણી વખત માથું દુ:ખાવાની તકલીફ રહેતી હતી. માતા-પિતાને લાગતું કે સામાન્ય તકલીફ હશે, પણ ગામના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુંજાલભાઈ પરમારે આ મુદ્દે ગંભીરતા દાખવી આરોગ્ય વિભાગની RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમને જાણ કરી હતી. ડૉ.સ્વાતિ પટેલ અને ડૉ.રોનક પરમાર સાથે આરોગ્ય કર્મચારી બંસીના ઘરે જઈ તપાસ કરતા કંઇ અસમાન્ય હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક આગળની સારવાર માટે ભલામણ કરી હતી. જ્યારે ટેસ્ટ કરાવ્યા ત્યારે બાળકીને બ્રેન ટ્યુમર (કેન્સર) હોવાનું નિદાન થતાં મા-બાપ પર આભ ફાટી પડ્યું હતું. બાળકીને બચાવવાની ચિંતા વચ્ચે તેના ખર્ચનો બોજ કેમ વહન થશે તે વિચાર પરિવારને કોરી ખાતો હતો.બંસીના પિતા શૈલેષગર જણાવે છે કે, હું ખાનગી નોકરી કરું છું, સામાન્ય આવક હોવાથી હંમેશા એક સાંધો તો તેર તુટે તેવી પરિસ્થિતિ વચ્ચે બંસીને સારવાર કેમ અપાવીશ તે મારા માટે ચિંતાનો વિષય હતો. પરંતુ આ દરમિયાન આરોગ્ય વિભાગ અમારા માટે આશાનું કિરણ બનીને આવ્યું હતું. આરોગ્ય વિભાગના માર્ગદર્શન તથા મદદના કારણે બંસીના કેસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવાર માટે મંજૂરી મેળવવામાં આવી હતી. તા. ૩ મે ૨૦૨૫ના રોજ બંસીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેણીની સફળ સર્જરી કરીને સારવાર કરવામાં આવતા વર્તમાન સમયમાં બંસી સામાન્ય જીવન જીવી રહી છે. આયુષ્માન કાર્ડથી સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, સરકારની મદદ વગર મારી દિકરીનો ઇલાજ શક્ય ન થાત, લાખો રૂપિયાનો ખર્ચ કરવા હું સક્ષમ ન હોવાથી મારી દીકરી માટે સરકાર જ ખરા અર્થમાં વાલીની ભૂમિકા ભજવીને તેને નવજીવન આપ્યું છે.





