VALSADVAPI

વાપી રેલ્વે ટ્રેક ઉપર આપઘાત કરવા પહોંચેલી પરિણીતાના વ્હારે આવી ૧૮૧ અભયમ ટીમે જીવ બચાવ્યો

 પતિ વ્યસન કરી પત્ની ઉપર ખોટી શંકા રાખી મારઝુડ કરી ત્રાસ આપતો હોવાથી આપઘાત કરવા નીકળી હતી

રેલવે ટ્રેક પરથી કોઈક સ્થાનિકે અભયમને જાણ કરતા સ્થળ પર પહોંચી સુરક્ષિત કબજો પિયર પક્ષને સોંપ્યો

—-

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૧ જુલાઈ

વલસાડ જિલ્લાના વાપી તાલુકા નજીકના ગામથી એક સ્થાનિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ઉપર કોલ કરી જણાવ્યું કે, એક અજાણી મહિલા રેલવે ફાટક ઉપર આપઘાત કરવા માટે આવી છે. આ કોલ મળતા જ વલસાડની ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક જણાવેલા સરનામે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેનો જીવ બચાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ નજીકના એક ગામમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૧૭ માં બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નસંબંધથી બે બાળકો જન્મયા હતા. બંને બાળકને વતનમાં દાદા દાદી પાસે મુકી પતિ -પત્ની દમણમાં કામ ધંધા અર્થે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિને વ્યસનની કુટેવ રહેતા કાયમ નાની-મોટી બાબતે કારણો વગર ઝગડો કરી પત્નીને શારીરિક -માનસિક ત્રાસ આપી ખોટી શંકા કરી હેરાન કરતો હતો.  આજ રોજ પણ વ્યસન કરી મારઝૂડ કરી હતી, જેથી અસહ્ય ત્રાસના કારણે કંટાળેલી મહિલા જીવન ટૂંકાવવા રેલવે ફાટક પહોંચી ગઈ હતી ત્યારે એક સ્થાનિક રહીશનું ધ્યાન પડતા પરિણીતાને રોકી હતી. તેણીએ પોતાની આપવીતી જણાવતા ૧૮૧ અભયમની મદદ લીધી હતી. પરિણીતાનું કાઉન્સેલિંગ કરી તેનો કબજો સુરક્ષિત રીતે તેની બહેન અને જીજાજીને સોંપવામાં આવ્યો હતો. પતિ પરિણીતા સાથે હવે દૂર્વ્યવહાર ન કરે તે માટે કાઉન્સેલિંગ કરતા કાયદાનું ભાન કરાવી સ્થાનિક પોલીસને જાણ કરતા પતિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, મહિલાને સુરક્ષિત જોઈ પરિવારે ૧૮૧ અભયમ ટીમ વલસાડનો હૃદયથી આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!