વલસાડ, તા. ૨૫ નવેમ્બર
વાપી તાલુકાના સલવાવ ગામે સ્થિત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ચિત્રકલાના શિક્ષક દિવ્યેશ ભંડારી દ્વારા કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા – ૨૦૨૪ માટે નાગરિકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યને લઈ વિવિધ કાર્યક્રમો કરવાનું સૂચન દરેક શાળાઓમાં કરવામાં આવ્યું હોય જેને અનુલક્ષીને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ મતદાર યાદી સુધારણાના સરસ ચિત્રો બનાવ્યા હતા. જેમાં “દીકરી દીકરો જ્યારે પૂરા કરે અઢાર, આપો જીવનભરની ભેટ બનાવો તેમને મતદાર” જેવા સુત્રોવાળા ચિત્રો બનાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચિત્ર સ્પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક ધો. ૮ ની વિદ્યાર્થિની પૂર્વા એમ બાહલીવાલા, દ્વિતીય ક્રમાંક ધો. ૮ નો વિદ્યાર્થી અંશ એન પટેલ અને તૃતીય ક્રમાંક ધો. ૯ ની વિદ્યાર્થિની દિયા એમ પટેલે પ્રાપ્ત કરતા સ્પર્ધામાં વિજેતા થયેલા સર્વે વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, તમામ ટ્રસ્ટી ગણો, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણોએ અભિનંદન પાઠવ્યા હતા.