વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૧,૬૦૪ કેસનો નિકાલ, કુલ રૂ.૧૪.૬૩ કરોડનું સમાધાન
સમાધાનપાત્ર કુલ પેન્ડિંગ ૬૨૪ કેસ, સ્પેશ્યલ સીટીંગ ૫૬૯૩ કેસ અને પ્રિ-લીટીગેશનનાં કુલ ૫૨૮૭નો નિકાલ થયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ- જાહેરાત- કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- ૧૨૫૩ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા તથા સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કુલ-૬૮૧૬ કેસો મુકવામાં આવ્યા હતા. આ સિવાય બેન્ક- ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન- મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- ૮૯૩૭ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ- ૬૨૪ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ- ૫૬૯૩ અને પ્રિ-લીટીગેશનનાં કુલ- ૫૨૮૭ મળી કુલ ૧૧,૬૦૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ રૂ. ૧૪,૬૩,૧૩,૬૦૧/- નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.