ધરમપુર તાલુકામાં રૂ. ૧૧.૫૨ કરોડના ૪૪૨ વિકાસ કામોનું ઈ- ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું
—-
વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૭ નવેમ્બર
ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. ૧૫ નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા ૨૦૨૪ સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામે સાવરમાળ પ્રાથમિક શાળામાં તા. ૧૭ નવેમ્બરને રવિવારે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૫ નવેમ્બરે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આદિવાસી સમાજને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય અને સર્વાંગી થાય તે માટે મહત્વની સેવા આપવા માટે આ ગૌરવરથ આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ લાભો જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં આદિવાસી પરિવારજનોને મળ્યા છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપુ છું. નરેન્દ્રભાઈ ધરમપુર સહિતના આદિવાસી ગામડાઓમાં રહ્યા છે જેથી તેઓ આદિવાસી સમાજની સમસ્યા તેમની પીડાને વધુ સારી રીતે સમજી શકે છે. મોદીજીએ આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી આદિવાસી સમાજની જીવનશૈલી બદલી છે. પહેલાના સમયમાં આદિવાસીના વિકાસ માટે માત્ર રૂ. ૨૫૦૦૦ કરોડ ફાળવાતુ હતુ પરંતુ હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧ લાખ ૨૫ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું બજેટ માત્ર આદિવાસીઓના વિકાસ માટે ફાળવાય છે.
ધરતી આબા જનજાગૃતિ ગામ ઉત્કર્ષ અભિયાન અંગે ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે, દરેક આદિવાસી ગામના વિકાસ માટે રૂ. ૨૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. ૧૦૦ કરોડથી વધુના ખર્ચે રસ્તાના કામો ચાલુ થવાના છે. આજે ગામે ગામ અને ઘરે ઘરે માળખાકીય સુવિધાના કામો તેમજ વ્યકિતગત યોજનાના લાભો આદિવાસી સમાજને મળી રહ્યા છે. ચારે દિશામાં પ્રગતિ થઈ રહી છે. નવા સરકારી દવાખાના, આંગણવાડી, શાળાના મકાનો બની રહ્યા છે. અંતરિયાળ ગામડાઓમાં પણ રસ્તાની કનેકટીવીટી મળી રહી છે.
આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા સાથે સેવાસેતુ પણ યોજાઈ રહ્યા છે જેમાં ૧૭ જેટલી સરકારી સેવાનો લાભ આપવા માટે રજાના દિવસે પણ અધિકારીઓ અને કર્મચારીઓ તમારા ગામમાં આવ્યા હોવાનું ધારાસભ્યશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, ઉમરગામથી અંબાજી સુધી રાજ્યના ૧૧ જિલ્લાના ૫૩ તાલુકામાં આ રથ ફરી રહ્યો છે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીથી આગામી પાંચ વર્ષમાં રૂ. ૭૯ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ કરોડ આદિવાસી વસ્તીને વિકાસ કાર્યોના લાભો આપવામાં આવશે. તો આપણે સૌ વડાપ્રધાનશ્રીના વિકસતિ ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ વિકાસની આ વણથંભી યાત્રામાં સહભાગી બનીએ એવો અનુરોધ કરૂ છું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, રાજ્યમાં કુલ ૭૩૦૦ આવાસ પૈકી વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં ૪૦૦૦માંથી ૩૬૦૦ આવાસ મંજૂર થયા છે. રાજ્યમાં ૫૦ ટકા હિસ્સેદારી માત્ર વલસાડ જિલ્લાની છે. જેમની પાસે આવાસ બાંધવા માટે જમીન ન હોય અને કોઈ જમીન આપવા તૈયાર થાય તો તેમના માત્ર સંમતિ પત્રકના આધારે પણ આપણે આવાસ યોજનાનો લાભ આપીએ છે. રાશન કાર્ડને ઈ-કેવાયસી કરવાથી આધાર કાર્ડ સાથે લીંક થશે જેથી તમામ લોકોને વિવિધ યોજનાકીય લાભો મેળવવામાં સરળતા પડશે. જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈએ ઉપસ્થિત આદિવાસી સમાજને સંબોધીને જણાવ્યું કે, આજે રવિવારે રજાના દિવસે પણ સમગ્ર જિલ્લા તંત્ર આપણી સેવા માટે આપણા ગામમાં આવ્યું છે તો જે લોકોના પણ આધાર કાર્ડ, મતદાન કાર્ડ કે રાશન કાર્ડમાં સુધારા વધારા હોય તો તે ખાસ કરાવી લેવા. આ ૩ કાર્ડ જીવાદોરી સમાન ગણાય છે. જેના દ્વારા જ યોજનાના લાભો મળશે. જેથી આપણે પોતે પણ તકેદારી રાખવી જોઈએ. જિલ્લા સંગઠનના અગ્રણી ગણેશભાઈ બિરારીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.
ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ રૂ. ૧૧.૫૨ કરોડના ૪૪૨ વિકાસ કામોનું ઈ- ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
સ્થળ પર જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા ટીબીની તપાસ, એનસીડી તપાસ અને આભા કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ નીરૂબેન, તાલુકા પંચાયતના સભ્ય ધીરૂભાઈ, પ્રાંત અધિકારી અમિત ચૌધરી, જિલ્લા સંગઠનના અગ્રણી નવીન ભોયા અને મામલતદાર ભરતભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન ધરમપુર તાલુકા પંચાયતના આસિ.ટીડીઓ અનિલભાઈ પટેલે કર્યુ હતું. જ્યારે આભારવિધિ વિસ્તરણ અધિકારી ધીરુભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામના માજી સરપંચ ગણપતભાઈ ચૌધરીએ કર્યુ હતું.