VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા ચૂંટણી પ્રક્રિયામાં સુંદર કામગીરી કરનાર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયુ

દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશું એ અંગે ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા પણ લીધી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૫ જાન્યુઆરી

વલસાડના તિથલ રોડ પર કોલેજ કેમ્પસમાં સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે તા. ૨૫ જાન્યુઆરીના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ૧૫ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી -વ- કલેકટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડાવાના ઉદેશ્યથી દર વર્ષની ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તા. ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે, આથી ૨૫ જાન્યુ. ૨૦૧૧થી દર વર્ષે ૨૫ જાન્યુ.ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં કલેકટરશ્રીએ આ ઉજવણીનો હેતુ સમજાવતા જણાવ્યું કે, લોકશાહીને મજબૂત કરવા, લોકો મતદાનનું મહત્વ સમજે, મતદાન કરવા પ્રેરાય અને નાગરિકોને તેમના અધિકારો વિશે જાણકારી આપવા આ દિવસની ઉજવણી થાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતમાં સૌથી વધુ ૭૨.૭૧ ટકા મતદાન ૨૬- વલસાડ લોકસભા મતદાર વિભાગમાં થયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં પણ વલસાડ જિલ્લામાં સૌથી વધુ મતદાન થયુ હતું. આવનારી ચૂંટણીઓમાં પણ આપણે પોતે જ આપણો રેકોર્ડ તોડી નવા કિર્તીમાન સ્થાપવા જોઈએ.

વધુમાં કલેકટરશ્રીએ યુવા મતદારોને સંબોધીને જણાવ્યું કે, મતદાનના દિવસે વરિષ્ઠ નાગરિકો મતદાન શરૂ થાય ને તુરંત જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવતા હોય છે ત્યારે યુવા મતદારોએ તેમનામાંથી પ્રેરણા લઈ ખાસ મતદાન કરવા આવવુ જોઈએ. ચૂંટણી તંત્ર દ્વારા ૧૮ થી ૨૦ વર્ષના યુવા મતદારો પર સૌથી વધુ ફોક્સ હોય છે. યુવા મતદારો મતદાન કરવામાં પાછળ ન રહી જાય તે માટે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી દેવુ જોઈએ. મતદાન એ આપણા સૌ નો અધિકાર છે. મનપસંદ સરકાર લાવવા માટે મતદાન અવશ્ય કરવુ જોઈએ. મતદાર યાદીમાં નામ ન હોય તો નામ નોંધાવી પોતાના મતાધિકારનો હક્ક સ્થાપિત કરવો જોઈએ. વધુમાં કલેકટરશ્રીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુંદર કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા યુવા મતદારોને નવા એપિક કાર્ડનું વિતરણ, વરિષ્ઠ મતદાતાનું સન્માન, સ્ટેટ આઈકોનનું સન્માન, અટારના માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીનું સન્માન, જિલ્લાના બેસ્ટ ઈઆરઓ/એઈઆરઓને પ્રમાણપત્ર, લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ – કર્મીઓનું સન્મમાન, મતદાન યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૪ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, જિલ્લાના બેસ્ટ સુપરવાઈઝરો, બેસ્ટ બુથ લેવલ ઓફિસરો, જિલ્લાના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવના વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રીનો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. ‘‘હુ ભારત છુ’’ ઓડિયો સૌએ સાંભળ્યો હતો. દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા જ્હા, ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, પ્રોબેશનર આઈપીએસ અંકિતા મિશ્રા, જિલ્લા સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અને વાપી મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી સહિત જિલ્લાના મામલતદારો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે કર્યુ હતું. આભારવિધિ વલસાડ રૂરલ મામલતદાર અને પ્રોબેશનર આઈએએસ પ્રસન્નજીત કૌરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહ એન.એચ.કોમર્સ કોલેજના પ્રા. દિવ્યા ઢિમ્મરે કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!