KAPRADAVALSAD

કપરાડાની સરકારી વિનયન કોલેજ દ્વારા માંડવામાં “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી”નો જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

— યુરીયા ખાતર હાથમાં થોડો સમય રાખીયે તો હાથ લાલ થઈ જાય અને ૧૦થી ૧૫ મિનિટ સુધી મુઠ્ઠીમાં રાખીએ તો મુઠ્ઠીમાં છીદ્ર થઈ જાય એટલું ઘાતક છેઃ જીતિન સાઠે

— નવી શિક્ષણનીતિમાં શિક્ષણકાર્ય ૪૦% અને રચનાત્મક પ્રવૃત્તિ પર ૬૦% ભાર મૂકાયો છેઃ પ્રાચાર્ય ડો. ડી.એન.દેવરી

— એક દેશી ગાયના પાલન માટે સરકાર વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય આપતી હોવાથી લાભ લેવા અનુરોધ કરાયો

— ગ્રામજનોને ફૂલની ખેતી અને ઓછા પાણીએ થતી નાગલીની ખેતી કરવા સૂચન કરાયું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ઓગસ્ટ

“ આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ‘‘યુવા સંકલ્પ – શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” યોજના શરૂ કરવામાં આવી છે. આ પંચ પ્રકલ્પ હેઠળ “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી”નો જન જાગૃતિ કાર્યક્રમ કપરાડાની સરકારી વિનયન કૉલેજના પ્રાચાર્ય ડૉ. ડી.એન.દેવરીના માર્ગદર્શન અને કન્વીનર પ્રા.એમ.પી.પટેલના નેતૃત્વમાં કપરાડાના માંડવા ગામમાં યોજાયો હતો.

સરકારી વિનયન કૉલેજના  પ્રાચાર્ય ડૉ. ડી.એન. દેવરીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામજનો માટે છે છતાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે કારણ કે, આ વિદ્યાર્થીઓ અલગ અલગ ગામના હોવાથી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પોત પોતાના ગામ સુધી પહોંચાડશે.નવી શિક્ષણનીતિ દ્વારા શિક્ષણકાર્ય ૪૦% અને પ્લેસમેન્ટ, એનએસએસ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી, કૌશલ્ય તાલીમ, રમત ગમત, સપ્તધારા અને આજે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એવી પ્રવૃત્તિને ૬૦% કરવા પર ભાર મૂકાયો છે.

કાર્યક્રમના મુખ્ય વક્તા અને કપરાડાના બાયફના એડિશનલ ચીફ પ્રોગામ એક્ઝિક્યુટીવ જીતિન સાઠેએ જણાવ્યું કે, આપણે પ્રાકૃતિક ખેતી ત્યારે જ કરી શકીશું જયારે માટીને સાચવીશું. આજે આપણે યુરીયા જેવા ખાતરોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. આ યુરીયા  ખાતર હાથમાં થોડા સમય માટે રાખીયે તો હાથ લાલ થઈ જાય છે તેમજ ૧૦થી ૧૫ મિનિટ સુધી મુઠ્ઠીમાં રાખીએ અને મુઠ્ઠી બંધ કરી દઈએ તો મુઠ્ઠીમાં છીદ્ર થઈ જાય છે, એટલું ઘાતક છે. લાખો બેકટેરીયા  જમીનમાં પડેલા પાંદડાને ડિકમ્પોઝ કરી ખાતરમાં પરિવર્તિત કરે છે પણ યુરીયા  ખાતર આ લાખો બેકટેરીયાનો નાશ કરી દે છે. જેથી પાંદડા ડિકમ્પોઝ થઈ શકતા નથી. રાસાયણિક ખાતરના કારણે જમીન લાલ થઈ મરી જાય છે અને તે લાંબાગાળે કોઈ પણ પાક માટે નકામી થતી જાય છે.

જમીનની સાથે સાથે તેમણે જંગલ સંરક્ષણની પણ વાત કરી જણાવ્યું કે, વલસાડ અને ડાંગ જિલ્લામાં જંગલના કારણે જ વરસાદ સારો આવે છે.જંગલને આપણે સાચવવાનું છે, તેને બળવા દેવું જોઈએ નહી. ઘરે કિચન ગાર્ડન બનાવી ઘરની શાકભાજી ઘરે જ ઉગાડી, તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. તેમણે ગ્રામજનોને ફૂલની ખેતી કરવા અને ઓછા પાણીએ થતી નાગલીની ખેતી કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે બાયફ સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતી માટે વિવિધ પ્રોજેક્ટ થઈ રહ્યા છે જેથી બાયફ સંસ્થાની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા સંદેશ આપ્યો હતો. બાયફના હેમંતભાઈ પટેલે ઓર્ગેનિક ખેતી પર ભાર આપી જે તે પાકની મહત્તમ કિંમત પ્રાપ્ત કરી શકાય છે એમ જણાવ્યું હતું. કપરાડાની સરકારી વિનયન કૉલેજના અધ્યાપક પ્રા.એમ.પી.પટેલે કૉલેજ ખાતે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે તેની માહિતી આપી હતી.

ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સ અને  માંડવા ગામના વતની ધર્માભાઈ પસાર્યાએ  જણાવ્યું કે, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ટકી રહેશે અને પાણીની બચત થશે. માંડવા ગામના અગ્રણી અને નિવૃત્ત આચાર્ય મંછુભાઈ ધૂમે પોતાના ઘરે બનાવેલા કિચન ગાર્ડનની વાત કરી જણાવ્યું કે, આજે વિવિધ પ્રકારની બિમારીઓ આવી રહી છે તેનું કારણ ખેતીમાં થતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે. ઘરે દેશી ગાયનું પાલન કરવું જોઈએ. આ માટે સરકાર એક ગાયના પાલન માટે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય આપે છે. આંબાની કલમ ૫ -૫ ફૂટ પર વાવવાની વાત પણ તેમણે કરી હતી.

આ કાર્યક્રમમાં પંચ પ્રકલ્પના કૉ-ઓર્ડીનેટર સંદિપ ટંડેલ, કર્મચારી અનિતાબેન,  વિદ્યાર્થીઓ, ગામના સરપંચ દશમાભાઈ મંછુભાઈ, ગ્રામ સેવક રણજીતભાઈ ભોયા,  ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આભારવિધિ પ્રા.એમ.પી.પટેલે કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!