વલસાડ સાયન્સ કોલેજ પાસે ૧૪ થી ૨૦ વર્ષીય યુવતીના માનવ કંકાલના અવશેષો મળી આવ્યા
પોસ્ટ મોર્ટમ કરાવતા તબીબનો અભિપ્રાય છે કે, અંદાજે ૩ માસ પહેલા મોત થયુ હતું
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૭ નવેમ્બર
વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડ ડાળખીવાળા પ્લોટમાં સ્થાનિક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે એક હ્યુમન બોડીનું કંકાલ મળી આવ્યું હતું. જેમાં માનવ શરીરના અંગો જેવા કે, માનવ ખોપડી, પાસળીના ભાગો, પગના હાડકાના ભાગો, હાથના હાડકાના ભાગો, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા. આ હ્યુમન બોડીના અંગો સંપૂર્ણપણે હાડકાના સ્વરૂપમાં હતા જેથી આ બોડી કોની છે તે ઓળખી શકાયુ નથી. આ બનાવવાળી જગ્યાએથી એક મરૂન કલરનો બે બટનવાળો મેલો લેડિસ કુર્તો મળી આવ્યો હતો. આ માનવ કંકાલનું સુરતના ફોરેન્સીક વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવતા ડોકટરશ્રીએ જણાવ્યું કે, આ હ્યુમન બોડી આશરે ૧૪ થી ૨૦ વર્ષીય છોકરીની છે તેમજ તેનુ અંદાજે ૩ માસ પહેલા મૃત્યુ થયું હતું. જેથી ઉપરોક્ત વર્ણન ધરાવતા કુર્તાવાળી આશરે ૧૪ થી ૨૦ વર્ષની કોઈ છોકરી ગુમ થઈ હોય તો તે અંગે તેમજ તેના વાલી વારસો વિશે કોઈ માહિતી મળે તો વલસાડ સિટી પોલીસ મથકે ફોન નં. ૦૨૬૩૨- ૨૪૪૨૩૩ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.