VALSADVALSAD CITY / TALUKO

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસઃ વલસાડ ખાતે ૩૭૩૧ લોકોનું કાઉન્સેલિંગ: તમાકુ તબાહીનું કારણ, તમાકુ છોડો, જીવન બચાવો,

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ, તા. 30 મે: વલસાડ મેડિકલ કોલેજમાં તમાકુ છોડવા માટે ૩૭૩૧ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
તમાકુનું સેવન એ વિશ્વમાં અટકાવી શકાય તેવા મૃત્યુનું કારણ છે. દર વર્ષે તમાકુને કારણે થતા રોગોથી સમગ્ર વિશ્વમાં ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. ૬ લાખ મૃત્યુ તો પરોક્ષ ધુમ્રપાનને કારણે થાય છે. જેથી સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૩૧ મે એ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં પણ તમાકુ નિષેધ હેઠળ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મેડિકલ કોલેજ દ્વારા શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુટકા, સિગારેટ, બીડી અને તમાકુથી દૂર રહેવા “ટોબેક્કો ફ્રી યુથ કેમ્પેઈન” અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ સાથે પોલીસ બંદોબસ્ત રાખી દુકાનોમાં તમાકુ અને તેની પ્રોડકટની ચકાસણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.

તમાકુ એક ધીમું ઝેર છે જે શરીરમાં જઈને થોડી ક્ષણ ભલે મજા આપે પરંતુ લાંબા ગાળે શરીર અંદરથી જીવલેણ બિમારીનું ઘર બની જાય છે. આ એક એવું ઝેર છે જે શરીરના બધા જ અવયવો પર પોતાની છાપ છોડે છે અને દરેક અંગને નુકસાન પહોંચાડે છે. તમાકુથી તાત્કાલિક મળતા આનંદના કારણે લાંબા ગાળે થતા નુકસાનને કદી ભૂલવુ ન જોઈએ. તમાકુ સેવન આરોગ્યની સાથે સાથે વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ ભયંકર નુકસાન પહોંચાડે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસે સૌએ તંદુરસ્ત અને તમાકુ-મુક્ત ભવિષ્ય બનાવવા સંકલ્પ લેવો જોઈએ.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજભાઈ પટેલે જણાવ્યું કે, એક સર્વેક્ષણ પ્રમાણે કિશોરો અને તરૂણો ૧૫ થી ૨૪ વર્ષની ઉંમરમાં દેખાદેખી અને વટ મારવા માટે ગુટકા, તમાકુ, સિગારેટ પી છે. જેમાં રહેલુ નિકોટીન હ્રદયને સૌથી વધુ નુકસાન કરતું તત્વ છે. આ નશાકારક પદાર્થ છે. તેનાથી રક્તકણ ગંઠાય છે, શરીરમાં વિવિધ સ્ત્રાવોનું પ્રમાણ વધારે છે, ચયાપચયનું પ્રમાણ વધારે છે, ચરબી ઓગાળે છે, ધબકારા વધારે છે, નાની ધમનીઓને સંકોચે છે, સ્નાયુઓને ઢીલા કરે છે, ધમનીઓમાં લોહી જામી જાય છે અને લાંબા ગાળે કેન્સર થવાની શકયતા રહે છે. તમાકુના સેવનથી નપુંસકતા, દમ અને શ્વાસની બિમારી, લકવો, હ્રદયરોગ, ન્યુમોનીયા, ટીબી (ક્ષયરોગ) થઈ શકે છે. મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા કેસો તમાકુના કારણે થાય છે. ટીબીથી મૃત્યુ પામનાર દર ૩ માંથી ૧ વ્યકિત તમાકુનો વ્યસની હોય છે. ધુમ્રપાન કરનારમાં ટીબી થવાનું જોખમ તેમજ ટીબીથી થતા મૃત્યુનું જોખમ ૩ થી ૪ ગણુ વધારે હોય છે.

વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગામ હેઠળ તમાકુના વ્યસનથી દૂર રહેવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૫ અને ૨૦૨૪-૨૫માં ૬૪ સ્કૂલમાં જનજાગૃતિ માટે પ્રોગામ કરવામાં આવ્યા હતા. ૧૬૦ સ્કૂલોમાં ૬૦ દિવસ દરમિયાન ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ચલાવવામાં આવ્યુ હતું. વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે ટોબેકો કંટ્રોલ સિઝેશન સેન્ટરમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૯૯૫ અને ૨૦૨૪-૨૫માં ૧૭૩૬ તમાકુના વ્યસની લોકોનું કાઉન્સેલિંગ કરી તમાકુ છોડાવવા માટે પ્રયાસ કરાયા હતા. તમાકુની આદત જીવલેણ છે માટે તમાકુ વ્યસન નિષેધ જરૂરી છે. આપણો એક નિર્ણય આપણા પરિવાર માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે. જેથી તમાકુને આજથી અને અત્યારથી જ

બોક્ષ મેટર

COTPA એકટ હેઠળ જિલ્લામાં બે વર્ષમાં ૩૧૯ કેસ કરી કર૨૯૦નો દંડ વસૂલાયો

તમાકુ સેવનથી આરોગ્ય પર થતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે ભારત સરકારે સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ્સ એક્ટ ૨૦૦૩ (COTPA) નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડયો છે. જે મુજબ કલમ ૪- જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધ, કલમ-૫ સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ-૬, સગીર વયની વ્યક્તિને તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વેચાણ કરવા પર પ્રતિબંધ, કલમ ૭,૮ અને ૯ – નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ. આ કલમોના ભંગ બદલ દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા જાહેર સ્થળો તેમજ દુકાનોમાં પોલીસ સાથે તપાસ કરી વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦૧ કેસ કરી રૂ. ૨૦,૦૪૦નો દંડ અને ૨૦૨૪-૨૫માં ૨૧૮ કેસ કરી ૪૨,૨૫૦નો દંડ દુકાનદારો પાસે વસૂલ્યો છે.

બોક્ષ મેટર

જનજાગૃતિ માટે મહત્વની ગણાતી છેલ્લા ત્રણ વર્ષની થીમ પર એક નજર

વર્ષ ૨૦૨૫ની થીમ છે, ચાલો સાથે મળીને તમાકુ ઉદ્યોગોની પ્રયુક્તિને ઉજાગર કરીએ

<span;>WHOએ ૩૧ મે, ૧૯૮૮ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને આ તારીખે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે અલગ અલગ ખાસ થીમ આધારે ઉજવાય છે. વર્ષ ૨૦૨૩ માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ- we need food not tobacco હતી. ૨૦૨૪ માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ “Protecting Children From Tobacco Industry Interference” એટલે કે બાળકોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવાની હતી. જયારે ચાલુ વર્ષ ૨૦૨૫ની થીમ “Unmasking the Appeal: Exposing Industry Tactics on Tobacco and Nicotine Products” એટલે કે, ચાલો સાથે મળીને તમાકુ ઉદ્યોગોની પ્રયુક્તિને ઉજાગર કરીએ એટલે કે, તમાકુ ઉદ્યોગો દ્વારા કેવી રીતે સ્વાદ અંગે મીઠા જુઠાણા ફેલાવી, આકર્ષક પેકેજિંગ અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરી ખાસ કરીને યુવાવર્ગને આકર્ષવા માટે જે વ્યુહરચના અપનાવે છે તેને ખુલ્લી પાડવા પર ભાર મુકે છે.

Back to top button
error: Content is protected !!