
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસાના બાજકોટ ગામનો યુવક ભારતીય લશ્કર અગ્નિવીરમાં જોડાયો: ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ફરતા દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત
મોડાસા તાલુકાના બાજકોટ ગામે દેશભક્તિના જજ્બાથી માહોલ ગુંજી ઉઠ્યો… કારણ કે બાજકોટ ગામમાં આર્મીમાં સૌપ્રથમ વખત અગ્નિવીર ખાંટ સંદીપકુમાર કમલેશભાઈ ભારતીય લશ્કરમાં અગ્નિવિર તરીકે જોડાયા છે. મોડાસાના બાજકોટ ગામના અગ્નિવિર સંદીપ ખાંટ ઉત્તરાખંડ ખાતે 7 માસની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા.દેશ સેવા માટે સૈનિક જીવન ધારણ કરનાર સંદીપકુમારનું દેવરાજ ધામના મહંત મહેશગિરી બાપુએ તિલક–ચાંદલો ,ફૂલહાર અને શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત માતાની જયના ગાજતા નારાઓ વચ્ચે પેલેટ ચોકડી થી દેવરાજ મંદિર સુધી વિશાળ રેલી કઢાઈ હતી. જેમાં ડી.જે ના તાલે દેશભક્તિના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા.ગામના ગર્વ સમાન આ અગ્નિવીરના ઘરે પહોંચતા જ માતા–પિતાએ સૈનિક વેશભૂષામાં સજ્જ પુત્રને જોઈ આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા. સંદીપકુમારે ખેડૂત પિતા કમલેશભાઈને સેલ્યુટ કરતાં જ પળભરમાં આખું ગામ ભાવવિભોર થઈ ગયું.દેશપ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતા એવા સંદીપકુમારે સૈન્યમાં જોડાઈને ગામ અને સમાજનું ગૌરવ વધારતા આ સ્વાગત સન્માન બાજકોટ ગામ અને ઠાકોર સમાજ માટે ગૌરવનો ઐતિહાસિક ક્ષણ બની રહ્યો હતો.




