કાલોલના બોરૂમાં ભૂમાફિયાઓનો ત્રાસ: ગોમા નદીનું ગેરકાયદે ખનન રોકવા ગ્રામજનોએ મામલતદારને સુપ્રત કર્યું આવેદનપત્ર.

તારીખ ૩૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરૂ ગામની સીમમાં પસાર થતી ગોમાં નદીના તટ પર છેલ્લા કેટલાક સમયથી બેફામપણે ચાલી રહેલા ગેરકાયદેસર માટી અને રેતીના ખનન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગામના જાગૃત નાગરિકો દ્વારા કાલોલના મામલતદાર વિકાસ પટેલ ને આવેદન પત્ર સુપ્રત કરીને ભૂમાફિયાઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર માંગણી કરવામાં આવી છે
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, બોરૂ ગામની હદમાં ગોમાં નદીના પટમાંથી કેટલાક માથાભારે અને રાજકીય વગ ધરાવતા ઈસમો દ્વારા રાત-દિવસ ગેરકાયદેસર રીતે માટી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે બોરૂ ગામના રહીશો જ્યારે આ અંગે સરપંચ તથા તલાટી કમ મંત્રીને મૌખિક રજૂઆત કરવા ગયા ત્યારે તેઓને ધમકીઓ આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આવી ધમકીઓના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, છતાં ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ખનીજ ચોરી આજદિન સુધી બેરોકટોક ચાલુ રહી છે. જ્યાં ગોમાં નદીના તટ પર આડેધડ થઈ રહેલા ગેરકાયદેસર ખણ-ખોદના કારણે નદીના કુદરતી માળખાને અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ગામના અરજદારો જેવા કે બેલીમ ઇરસાદમહંમદ નુરમહંમદ, બેલીમ શહીદખાં ઇબ્રાહીમખાં, પઠાણ સાહીરખાન સિરાજખાન, બેલીમ રાહીદભાઈ હનીફભાઈ તથા અન્ય જાગૃત ગ્રામજનોએ આવેદન પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે આ ગેરકાયદે ખનન અટકાવી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે અને તેમની વિરુદ્ધ ‘તાલુકા સ્વાગત’, ‘જિલ્લા સ્વાગત’ અને ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં સીધી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી ઉચ્ચ અધિકારીઓ ને પણ નકલો મોકલી આપી છે.








