વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ અને જે.એચ.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂતની ટીમે વઘઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનાં વણઉકેલ્યા ચોરીનાં ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.તે દરમ્યાન વઘઈ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમીદાર મારફતે બાતમી મળેલ કે વઘઈ તાલુકાના ઢાઢરા ગામનો રહેવાસી જીતેન્દ્રભાઇ વિજયભાઇ ગાવિત પાસે ચોરીનાં મોબાઇલ ફોન છે.જે હાલ ઢાઢરા ગામે જુના દેવધા ફાટક પાસે ઉભો છે.જે બાતમીના આધારે વઘઇ પોલીસની ટીમ ઢાઢરા ગામે જુના દેવધા ફાટક પાસે પોહચી હતી.વઘઇ પોલીસની ટીમે ઢાઢરા ફાટક પાસેથી જીતેન્દ્રભાઇ વિજયભાઈ ગવિત ( ઉ.વ.24 હાલ રહે.બેસનીયા ગામ તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ઢાઢરાગામ તા.વઘઈ જી.ડાંગ )ને ઝડપી પડયો હતો.તેમજ તેના પેન્ટના ખિસ્સામાંથી બે મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ ફોન પૈકી (1)સફેદ કલરનો એપલ કંપનીનો આઇફોન-11 મોડલનો જેની કિંમત રૂ.45,000/- તથા નં. (2)સફેદ કલરનો એપલ કંપનીનો આઇફોન XS મોડલ જેની કિંમત રૂપિયા 20,000/- મળી આવેલ હતા.જે બન્ને મોબાઇલ બાબતે તેની પુછપરછ કરતા ગલ્લાતલ્લા કરી ઉડાઉ જવાબ આપેલ હતા.ત્યારે મોબાઇલનાં બીલ કે અન્ય કોઇ આધાર પુરાવા માંગતા રજુ નહી કરેલ જેથી બન્ને મોબાઇલ ફોન શંકાસ્પદ મળી આવ્યા હતા.જે અંગે પોલીસ મથકે તપાસ કરવામાં આવી હતી.ત્યારે વઘઈ પોલીસ મથક વિસ્તારમાંથી આ મોબાઇલની ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યુ હતુ.જે બાદ આરોપીની અટક કરવામાં આવી હતી અને મોબાઈલ રિકવર કરવામાં આવ્યા હતા.આ અંગેની વધુ કાર્યવાહી વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. એમ.એસ.રાજપૂત દ્વારા હાથ ધરવામાં આવેલ છે..