નવસારી મહાનગરપાલિકા દ્વારા અમૃત ૨.૦ મિશન હેઠળ “વુમન ફોર ટ્રી” કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૨ મીએ લુંસીકુઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “વુમન ફોર ટ્રી” અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમૃત ૨.૦ મિશન અને UCD વિભાગના NULM યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સ્વ સહાય જૂથોની સહભાગીતાથી યોજાયો હતો. કાર્યક્રમમાં “વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો” એવો મંત્ર અપનાવાયો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારીભર્યા બનાવવાના ઉદ્દેશ સાથે વિચારમંથન કરવામાં આવ્યું. સાથે આવનારા ભવિષ્યમાં વૃક્ષોના જતન અંગે મહિલાઓ જનજાગૃતિમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મ.ન.પાના વિભાગીય અધિકારીઓ અને 150થી વધુ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આવનાર સમયમાં થનારા વૃક્ષારોપણ માટે આત્મીય લાગણી અને ઉત્સાહ દર્શાવ્યો. પ્રસ્તુતિઓમાં વૃક્ષોની પસંદગી, સ્થળ પસંદગી અને સમારંભ અંગે ચર્ચા કરાઈ હતી.
મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે નવસારી મહાનગરપાલિકાના અમૃત 2.0 પ્રોજેકટ અંતર્ગત મહાનગરપાલિકાના જુદા જુદા તળાવો તેમજ ગાર્ડન, પાર્ક, ખુલ્લી જગ્યાઓ વગેરેમાં અંદાજે 25,000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે, તેમજ ત્યારબાદ આ વૃક્ષોની સાર-સંભાળ રાખવાની કામગીરી સ્વ સહાય જૂથના સભ્યો પાસે કરવવાની સરકારશ્રીની સૂચના છે. તેમજ વૃક્ષારોપણ પહેલા તે સ્થળો પર તંત્ર દ્વારા તૈયારી કામગીરી શરૂ કરવામાં આવી છે અને વૃક્ષારોપણનું આયોજન સહયોગી મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે.