વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી રાજવી સમય સને ૧૮૮૬ થી ચાલે છે. જેમાં દરરોજ ધરમપુર નગર, ધરમપુર તાલુકા તથા આજુબાજુના ૫ તાલુકાના વાચકો અને યુવા, યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા આવે છે. આ યુવા યુવતી વાચકો દ્વારા લાઈબ્રેરીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીની સફળતા માટે લાઈબ્રેરીની સ્વચ્છતા રાખવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયમાં જાહેર રજાના દિવસોમાં પણ વાંચકો માટે લાઈબ્રેરી ખુલ્લી રાખવા માટે લાઈબ્રેરીના મહિલા કર્મચારી ગં. સ્વં. મંજુબેન પટેલનું યુવા વાંચકો દ્વારા શાલ ઓઢાળી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઈબ્રેરીના સૌથી જુના વાચક, ચર્ચા પત્રી, સિનિયર સિટીઝન રાયસીંગભાઈ વળવીએ મંજુબેન પટેલનું સન્માન કરી અને મંજુબેનની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા વાચક પ્રજ્ઞેશભાઈ પટેલે કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ધરમપુર નગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીનું નવું મકાન બન્યા બાદ ૭૮ જેટલાં વાચકો આ લાઈબ્રેરીનો લાભ લઈ સરકારી ખાતાઓ અર્ધ સરકારી અને બેન્કમાં નોકરી કરી રહ્યા છે. ધરમપુર નગરપાલિકા દ્વારા વાચકો માટે વાચકોની માંગણી મુજબના પુસ્તકો, અખબારો પુરા પાડવામાં આવે છે. લાઈબ્રેરીમાં યુવા યુવતીઓ માટેના નવા સ્ટડી ટેબલો, આરામદાઈ ખુરશીઓ તથા આખી લાઈબ્રેરીમાં એર કન્ડિશન સુવિધા અને પીવાના પાણીની ફિલ્ટર આર. ઓ. ની સગવડ કરવામાં આવી છે.