GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી

જરૂરિયાતમંદ પરિવારને મચ્છરદાનીનું વિતરણ કરી આરોગ્ય શિક્ષણ અપાયું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી

 

જરૂરિયાતમંદ પરિવારને મચ્છરદાનીનું વિતરણ કરી આરોગ્ય શિક્ષણ અપાયું

 

ભુજ, તા. ૨૦: દર વર્ષે ૨૦ ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૮૯૭માં સર રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ મચ્છર દ્વારા મલેરિયાના પરજીવીનું સંક્રમણ ફેલાતું હોવાની મહત્વપૂર્ણ શોધ કરી હતી. આ શોધની યાદમાં વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે. મચ્છરજન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા, મચ્છરોના ઉત્પત્તિસ્થળો અટકાવવા અને મલેરિયા, ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા રોગોથી બચવા જરૂરી સાવચેતી અંગે જનજાગૃતિ કેળવવી આ દિવસનો મુખ્ય હેતુ છે.

 

કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તથા જિલ્લા વાહકજન્ય રોગ અટકાયતી પગલાં અધિકારી ડૉ. કેશવકુમાર સીંગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મચ્છરજન્ય રોગોના સર્વેલન્સ, તપાસ, નિયંત્રણ કામગીરી અને આરોગ્ય શિક્ષણની કામગીરી સતત કરવામાં આવી રહી છે.

 

મુન્દ્રામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ

 

વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે મુન્દ્રા ખાતે માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગોધરાથી મુન્દ્રા ખાતે મજૂરી અર્થે આવેલા એક શ્રમિક પરિવારની બાળકી મલેરિયા પોઝિટિવ જણાતાં મુન્દ્રાના નિવૃત્ત હેલ્થ સુપરવાઈઝર તથા બ્રહ્માકુમારી સંસ્થાના બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કર દ્વારા પરિવારની મદદ કરવામાં આવી હતી.

 

શ્રી વિનોદભાઈ ઠક્કરે આ જરૂરિયાતમંદ પરિવારને પોતાના ખર્ચે મચ્છરદાની ખરીદી આપી તેનું વિતરણ કર્યું હતું. સાથે જ પરિવારને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી તથા મચ્છરથી બચવા માટેની અન્ય જરૂરી સાવચેતી અંગે પરિવારને સમજ આપવામાં આવી હતી.

 

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણીયા તથા અર્બન હેલ્થ સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવા અપીલ કરી હતી. ખાસ કરીને સ્થળાંતરિત અને ખુલ્લામાં રહેતા શ્રમિક પરિવારોને મચ્છરજન્ય રોગોથી બચાવવા માટે સમાજના દાતાશ્રીઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આવી કામગીરીને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

 

મચ્છરદાની સુરક્ષાનું અસરકારક સાધન

 

મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરદાની સરળ, આર્થિક અને અસરકારક સુરક્ષા સાધન છે. ખાસ કરીને રાત્રિના સમયે મચ્છર કરડવાથી બચવા માટે મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો જરૂરી છે.

 

મચ્છરદાની ખરીદતી વખતે સારી ગુણવત્તાવાળી નાયલોન અથવા પોલિએસ્ટરની નેટ પસંદ કરવી, નેટમાં કાણાં ન હોય તેની ખાતરી કરવી અને ઉપયોગ દરમિયાન ચેઈન અથવા પ્રવેશદ્વાર યોગ્ય રીતે બંધ રાખવું જોઈએ. નેટમાં કાણું પડે તો તેને તાત્કાલિક સાંધી લેવું જોઈએ અને સમયાંતરે તેને સાફ રાખવી જોઈએ.

 

મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી જરૂરી

 

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે માત્ર આરોગ્ય વિભાગની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે, પાણીના પાત્રો ઢાંકીને રાખવામાં આવે, કચરો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તથા ટાયર, કુંડા, ડબ્બા અને અન્ય પાત્રોમાં પાણીનો ભરાવો ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ.

 

મલેરિયા, ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના સંભવિત લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરી જરૂરી તપાસ અને સારવાર કરાવવી જોઈએ.

 

કચ્છ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ, તાવના કેસોની તપાસ, મચ્છરના ઉત્પત્તિસ્થળોની તપાસ, જરૂરી નિયંત્રણ કામગીરી તથા આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

 

મુન્દ્રામાં જરૂરિયાતમંદ શ્રમિક પરિવારને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું તે કામગીરી આરોગ્ય વિભાગની જનજાગૃતિ સાથે સામાજિક સહયોગ અને માનવતાને જોડતું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

 

આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે “પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો”ના સંદેશને સાકાર કરવા સૌ સહભાગી બને અને પોતાના પરિવાર તથા આસપાસના લોકોને મચ્છરજન્ય રોગોથી બચાવવા જરૂરી સાવચેતી રાખે. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જનજાગૃતિ, સાવચેતી અને જનભાગીદારી સાથે કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!