
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ જુલાઈ : ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ તા. 11 જુલાઈથી 18 જુલાઈ, 2026 દરમિયાન પરિવાર કલ્યાણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન અંગે લોકોમાં જાગૃતિ લાવવી, માતા-બાળ આરોગ્યને પ્રોત્સાહન આપવું, દંપતિઓને ગુણવત્તાસભર પરિવાર કલ્યાણ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ જવાબદાર માતા-પિતૃત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે.આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા "સમૃદ્ધ પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન" સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ સૂત્રને સાકાર કરવા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC), હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો (HWC), આરોગ્ય ઉપકેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.પરિવાર કલ્યાણ પખવાડિયા દરમિયાન આશા કાર્યકરો, એ.એન.એમ., એમ.પી.એચ.ડબલ્યુ. તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા દંપતિઓનો સંપર્ક કરી પરિવાર નિયોજનના વિવિધ સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ઘર-ઘર મુલાકાતો, દંપતી પરામર્શ, આરોગ્ય શિક્ષણ, સમુદાય બેઠકો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાનું અને સુખી પરિવાર, સુરક્ષિત માતૃત્વ તથા જવાબદાર માતા-પિતૃત્વનો સંદેશ પહોંચાડવામાં આવશે.અભિયાન દરમિયાન જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે પુરુષ નસબંધી (NSV), સ્ત્રી નસબંધી (ટ્યુબેક્ટોમી), અંતરા ઇન્જેક્શન, છાયા ગોળીઓ, ગર્ભનિરોધક ગોળીઓ, કોન્ડોમ સહિતની વિવિધ પરિવાર નિયોજન સેવાઓ અને ગર્ભનિરોધક સાધનો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય પદ્ધતિની પસંદગી માટે નિષ્ણાતો દ્વારા પરામર્શ પણ આપવામાં આવશે.આ ઉપરાંત આરોગ્ય સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ, રેલી, આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો, ગ્રામસભાઓ અને અન્ય IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓ દ્વારા પરિવાર નિયોજન અને પ્રજનન આરોગ્ય અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ તાલુકાઓને અભિયાનનું અસરકારક આયોજન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.અભિયાન દરમિયાન હાથ ધરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓની દૈનિક સમીક્ષા કરવામાં આવશે જેથી અભિયાનના હેતુઓ સફળતાપૂર્વક સિદ્ધ થઈ શકે.જિલ્લા આરોગ્ય કચેરી, કચ્છ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી નિઃશુલ્ક પરિવાર કલ્યાણ અને કુટુંબ નિયોજન સેવાઓનો લાભ લે તેમજ "સમૃદ્ધ પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન"ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.



