ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધ વિરામ

મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. લેબેનોન અને ઈઝરાયલે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. અમેરિકન પ્રમુખે આ યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું છે કે, ‘હમણાં જ મારી લેબેનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂની સાથે ખુબ જ સારી વાતચીત થઈ. આ બંને નેતાઓએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે પોતાના દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસના યુદ્ધવિરામની શરૂઆત કરશે. અમેરિકન સમય અનુસાર, યુદ્ધવિરામ સાંજે 5 વાગ્યાથી (ભારતમાં 17 એપ્રિલના રોજ 2:30 વાગ્યે) લાગુ થઈ જશે.’
આ યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામનારા લેબેનોન નાગરિકોની સંખ્યા 2196 થઈ ગઈ છે.
ટ્રમ્પે કહ્યું છે કે, ‘મંગળવારે 34 વર્ષોમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ અહીં વોશિંગ્ટન ડીસીમાં અમારા વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મળ્યા. મેં જેડી વેન્સ અને રૂબિયોને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચેરમેન સાથે મળીને ઈઝરાયલ અને લેબેનોનની સાથે કામ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી એક કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય.
હું ઈઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરીશ. આ 1983 બાદથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પહેલી સાર્થક વાતચીત થશે. બંને પક્ષ શાંતિ ઈચ્છે છે અને મારું માનવું છે કે એવું થશે અને તે પણ ખુબ જલ્દી.’





