અસાધ્ય રોગોથી પીડાતાં લોકોને કાયદેસર દવા લઇ પોતાનું જીવન સમાપ્ત કરવા દેવાની પરવાનગી !!!
અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં અસાધ્ય રોગોથી પીડાતાં લોકોને કાયદેસર દવા લઇ પોતાનું જીવન સમાપ્ત કરવા દેવાની પરવાનગી આપતાં ખરડાને સોમવારે રાજ્યના બંને ગૃહોમાં મંજૂર કરી ગવર્નરને મોકલી આપવામાં આવ્યો છે. ન્યુયોર્ક સેનેટ દ્વારા સોમવારે આ ખરડા પર આખી રાત ચર્ચા કરવામાં આવી હતી. ખરડાના તરફદારોએ આ ખરડાથી જીવલેણ બીમારીથી પીડાતાં લોકોને તેમની શરતે મરવાની તક મળશે તેમ જણાવ્યું હતું તો વિરોધીઓએ સરકારે અસાધ્ય રોગોની સારવાર સુધારવા પર ભાર મુક્યો હતો અને ધાર્મિક કારણોસર ખરડાનો વિરોધ કર્યો હતો.
અમેરિકાના ન્યુ યોર્ક સ્ટેટની વિધાનસભામાં આ ખરડો એપ્રિલમાં પસાર થઇ ગયો હતો. એ પછી સેનેટમાં સોમવારે ચર્ચા કરી તેને મંજૂર કરી ગવર્નર કેથી હોચુલને પુનરવલોકન અને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૂળ તો આ ખરડો પ્રથમ 2016માં રજૂ કરવામાં આવ્યો હતો પણ એક યા બીજા કારણસર તે અટવાઇ રહ્યો હતો. વોશિંગ્ટન ડીસી સહિત અગિયાર અમેરિકન રાજ્યોમાં ડોક્ટરની સહાયથી મોત વહાલું કરવાના કાયદા અમલમાં છે.
આ કાયદા અનુસાર જીવલેણ બિમારીથી પીડાતી વ્યક્તિ જે છમહિનામાં મૃત્યુ પામે તેમ હોય તે મોત લાવે તેવી દવાઓ માટે લેખિત વિનંતી કરી શકશે. બે વ્યક્તિઓએ આ વિનંતી પર સહી કરી જણાવવું પડશે કે દર્દીએ આ વિનંતી કોઇ દબાણ વિના આપમેળે કરી છે. એ પછી આ વિનંતીનેદર્દીની સારવાર કરતાં ડોક્ટર તથા કન્સલ્ટિંગ ફિઝિશ્યન મંજૂર કરે તે પછી તેનો અમલ થઇ શકશે.
આ દરખાસ્ત રજૂ કરનાર ડેમોક્રેટ બ્રાડ હોયલમેને જણાવ્યું હતું કે આ મોત વહેલું લાવવાની નહીં પણ પીડાનો અંત લાવવાની વાત છે. તેની સામે રિપબ્લિકન જ્યોર્જ બોરેલોએ જણાવ્યું હતું કે આપણે સરકાર પ્રમાણિત આત્મહત્યાના કામમાં ન પડવું જોઇએ.ન્યુ યોર્ક સ્ટેટ કેથોલિક કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડેનિસ પાઉસ્તે કાયદાના વિરોધમાં જણાવ્યું હતું કે ન્યુયોર્ક સ્ટેટ માટે આજે કાળો દિવસ છે. કોમ્પાશન એન્ડ ચોઇસીસ નામના આ નીતિને ટેકો આપતાં સંગઠનની આગેવાન કોરિન કારેએ જણાવ્યું હતું કે જેમનું મોત નિશ્ચિત છે તેવા ન્યુ યોર્કર્સને આ તેમનું પોતાનું મોત પસંદ કરવાની સ્વાયત્તતા આપી કાયદાના ઘડવૈયાઓએ તેના મહત્વનો સ્વીકાર કર્યો છે. આને કારણે લોકો જીવનના અંત સુધી શાંતિપૂર્ણ રીતે જીવી શકશે.