‘X’ પર થયો સાયબર Attack !!! એલોન મસ્કે કરી પુષ્ટિ X પર ત્રણ સાયબર Attack
માર્ચ 11, 2025ના રોજ, મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સને પોસ્ટ કરવામાં અને સર્ચ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલા મોટા સાયબર હુમલાઓને માનવામાં આવી રહ્યું છે. ‘X’ ના માલિક એલોન મસ્કે આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે અને પુષ્ટિ કરી છે કે ગઈકાલથી શરૂ થયેલા ત્રણ મોટા સાયબર હુમલાઓએ પ્લેટફોર્મની સેવાઓને વિશ્વભરમાં અસર કરી છે. ડાઉનડિટેક્ટરના નવીનતમ અહેવાલો અનુસાર, ઘણા યુઝર્સ હજુ પણ Xનો ઉપયોગ કરતી વખતે વિવિધ પ્રકારની સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને, સવારે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન 900થી વધુ લોકોએ પ્લેટફોર્મની સેવાઓમાં ખલેલની ફરિયાદ કરી હતી.
આ સાયબર હુમલાઓની શરૂઆત યુએસ સમય મુજબ સવારે 6 વાગ્યે થઈ હતી, જ્યારે 20,000થી વધુ યુઝર્સે ‘X’ પર સમસ્યાઓની જાણ કરી હતી. થોડા સમય પછી આ મુશ્કેલી દૂર થઈ ગઈ હતી, પરંતુ રાહત લાંબો સમય ટકી નહીં. સવારે 10 વાગ્યે બીજો હુમલો થયો, જેના કારણે અસરગ્રસ્ત યુઝર્સની સંખ્યા 40,000થી વધુ થઈ ગઈ. Xના એન્જિનિયરો આ સમસ્યાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ બપોરે 12:30 વાગ્યે ત્રીજો મોટો હુમલો થયો. આ ત્રીજો હુમલો એટલો ગંભીર હતો કે તેની સમસ્યા હજુ સુધી સંપૂર્ણ રીતે હલ થઈ નથી. આ સમયગાળા દરમિયાન, 26,000થી વધુ યુઝર્સે પ્લેટફોર્મની સેવાઓમાં ખામીઓની જાણ કરી હતી.
હજારો યુઝર્સે ડાઉનડિટેક્ટર પર જણાવ્યું છે કે, X એપ્લિકેશન લોડ થવામાં નિષ્ફળ જઈ રહી છે. આ સમસ્યા માત્ર એક દેશ કે પ્રદેશ સુધી મર્યાદિત નથી, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળી છે. ડાઉનડિટેક્ટરના ડેટા પરથી જાણવા મળે છે કે આ આઉટેજની ઘટનાઓ યુઝર્સના અહેવાલો પર આધારિત છે. આ કારણે, સમસ્યાની સાચી ગંભીરતાનો સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ બની શકે છે, પરંતુ આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે Xની સેવાઓ પર મોટી અસર પડી છે.
આ ઘટનાઓ બાદ એલોન મસ્કે X પર એક પોસ્ટ શેર કરીને આ હુમલાઓની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે આ એક વિશાળ સાયબર હુમલો છે, જેની પાછળ કોઈ સંગઠિત જૂથ કે શક્ય છે કે કોઈ દેશનો હાથ હોઈ શકે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હુમલાઓનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ ચાલુ છે. મસ્કના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર ટેકનિકલ ખામી નથી, પરંતુ એક સુનિયોજિત હુમલો હોઈ શકે છે.
મસ્કે જે પોસ્ટનો જવાબ આપ્યો તેમાં એક સમયરેખાનો ઉલ્લેખ હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ હુમલાઓ કોઈ ચોક્કસ ક્રમનો ભાગ હોઈ શકે છે. આ પોસ્ટમાં જણાવાયું હતું કે અગાઉ DOGE (ડોજકોઈન) સામે વિરોધ પ્રદર્શનો થયા હતા, ત્યારબાદ ટેસ્લા સ્ટોર્સ પર હુમલાઓ થયા હતા અને હવે X પ્લેટફોર્મ પરની આ ઘટના તે જ ક્રમનું એક પગલું માનવામાં આવી રહી છે. આ સંભવિત જોડાણથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ હુમલાખોરો એક સુનિયોજિત યોજના હેઠળ કામ કરી રહ્યા હોઈ શકે છે, જેમાં મસ્કની કંપનીઓને નિશાન બનાવવામાં આવી રહી છે.