નેપાળમાં 6.1ની પ્રચંડ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રુજી
પાડોશી દેશ નેપાળમાં શુક્રવારે પરોઢિયે રિકટર સ્કેલ ઉપર 6.1ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં હતું. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ પોતાની વેબસાઈટમાં ઉલ્લેખ કર્યો કે, નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં ભૈરવકુંડમાં 2.51 વાગ્યે સ્થાનિક સમયે ભૂકંપ આવ્યો હતો. નેપાળની સરહદને અડીને આવેલા બિહારના ઘણા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે, નેપાળના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વી અને મધ્ય વિસ્તારોમાં, લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના આંચકા ભારત અને ચીનના તિબેટના સરહદી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
સતર્ક રહેવા માટે તંત્ર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઈજાઓ કે મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓ હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. નેપાળના વિનાશક ભૂકંપના ઇતિહાસને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ રહેવાસીઓને સંભવિત ભૂકંપ પ્રત્યે સતર્ક રહેવાની સલાહ આપી છે.
આ પહેલા 22 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ ઉપરાંત, ભૂકંપની અસર ઉત્તરાખંડ અને લખનઉં સુધી અનુભવાઈ હતી. આ ભૂકંપ અંગે, મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર યુપીની રાજધાની લખનઉંથી 310 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ઉત્તરાખંડના જોશીમઠ પાસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.