દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી
અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કર્યો છે. આ દરમિયાન તેમના પૂર્વ સાથીદાર અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. ઈલોન મસ્કે કહ્યું કે આ પક્ષ અમેરિકાના લોકોને પાર્ટી સિસ્ટમથી મુક્ત કરશે. મસ્કની આ જાહેરાત બાદ અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મસ્કે X પર એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેમની X પોસ્ટમાં તાજેતરના સર્વેના પરિણામો ટાંકીને મસ્કે લખ્યું કે, ‘આજે અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે સ્થાપિત કરવામાં આવી છે.’
ઈલોને દાવો કર્યો કે સર્વેમાં જનતાએ 2:1 ના ગુણોત્તરમાં એક નવા રાજકીય વિકલ્પની ઇચ્છા વ્યક્ત કરી છે. તમે એક નવો રાજકીય પક્ષ ઇચ્છો છો અને હવે આ રાજકીય પક્ષ તમારી સામે છે. પોતાની જાહેરાતમાં મસ્કે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટીકા કરી અને કહ્યું, ‘જ્યારે આપણા દેશને કચરો અને ભ્રષ્ટાચારથી નાદાર કરવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એક-પક્ષીય વ્યવસ્થામાં જીવતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.’ અમેરિકા પાર્ટીની રચના તમારી ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવવા માટે કરવામાં આવી છે.