‘EVM હેક થઈ શકે, એના પુરાવા છે…’ અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડનો દાવો
ભારતમાં વિપક્ષ વર્ષોથી ઈવીએમથી મતદાન સામે સવાલ ઉઠાવતો રહ્યો છે. વિશેષરૂપે ચૂંટણીમાં પરાજય થાય એટલે દોષનો ટોપલો ઈવીએમના માથે નાંખી દેવાય છે. જોકે, ઈવીએમ સાથે ચેડાંના વિપક્ષના દાવા ચૂંટણી પંચ સતત ફગાવતું રહ્યું છે. જોકે, અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ઈવીએમ સિસ્ટમ ફૂલપ્રૂફ છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ બેઠક દરમિયાન યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઈવીએમ સિસ્ટમ) હેક થઈ શકે છે. તેથી આખા દેશમાં પેપર બેલટથી મતદાન તરફ વળવું જોઈએ. આ બેઠકમાં તેમણે વોટિંગ મશીનની સુરક્ષામાં ખામીના પુરાવા પણ રજૂ કર્યા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ સાયબર સિક્યોરિટી ચીફ ક્રિસ ક્રેબ્સની તપાસ માટે ડિપાર્મટેન્ટ ઓફ જસ્ટિસને નિર્દેશો આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યાના બીજા દિવસે ગબાર્ડે આ દાવો કર્યો હતો.
ગબાર્ડે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાના પર છે અને તેને કેવી રીતે હેક કરી શકાય તેના પુરાવા આપણી પાસે છે. હેકર્સ ઈવીએસમાં પડેલા મતો સાથે ચેડાં કરી શકે છે, તેથી ઈવીએમ જરા પણ વિશ્વાસપાત્ર સિસ્ટમ નથી. આપણે દેશમાં ચૂંટણીની પ્રમાણિક્તામાં મતદારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે બેલટ પેપરથી મતદાન ફરજિયાત કરવું જોઈએ.
તુલસી ગબ્બાર્ડના આ નિવેદનના અમેરિકા જ નહીં ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વિપક્ષને ફરી એક વખત ભારતમાં ઈવીએમ સામે સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે. વિપક્ષે ફરીથી દેશની ચૂંટણીમાં બેલટ પેપરથી મતદાનની માગ કરી છે. બીજીબાજુ તુલસી ગબ્બાર્ડના નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે જવાબ આપ્યો છે.
ચૂંટણી પંચના સૂત્રોએ ભારપૂર્વક કહ્યું કે, ભારતના ઈવીએમ એકદમ ફૂલપ્રૂફ છે. ભારતમાં વપરાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન હેકિંગ પ્રત્યે એકદમ સંવેદનશીલ છે. ઇવીએમ સરળ કેલક્યુલેટરની જેમ કાર્ય કરે છે અને તેને ઇન્ટરનેટ કે ઇન્ફ્રારેડ સાથે કનેક્ટ કર શકાતું નથી. કેટલાક દેશો ઇલેકટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જે વિવિધ સિસ્ટમ, મશીન અને પ્રોસેસનું મિશ્રણ હોય છે અને તેમાં ઇન્ટરનેટ સહિતના વિવિધ પ્રાઇવેટ નેટવર્ક સામેલ હોય છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ નહીં પણ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે સાદા કેલક્યુલેટર તરીકે કાર્ય કરે છે અને તેને ઇન્ટરનેટ, વાઇફાઇ કે ઇન્ફ્રારેડ સાથે કનેક્ટ કરી શકાતું નથી.
ચૂંટણી પંચના સૂત્રોએ ઉમેર્યું કે, આ મશીનો સુપ્રીમ કોર્ટની કાયદાકીય તપાસ ખરા ઉતર્યા છે. મતદાન શરૂ કરતા પહેલા મોક પોલમાં રાજકીય પક્ષો તેની સંપૂર્ણ ચકાસણી કરતા હોય છે. મત ગણતરી રાજકીય પક્ષોની વચ્ચે કરવામાં આવે છે અને પાંચ કરોડ પેપર ટ્રાયલ મશીન સ્લીપનું વેરિફિકેશન કરવામાં આવે છે.