હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા
દક્ષિણ ગાઝાના ખાન યૂનિસ વિસ્તારમાં હમાસે ઈઝરાયલી સેના પર એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઈઝરાયલ સેનાના સાત સૈનિકોના મોત થયા છે, જેમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતક સૈનિક 605મી કોમ્બેટ એન્જિનિયરિંગ બટાલિયનના હતા. આ હુમલાની જવાબદારી પેલેસ્ટિનિયન સંગઠન હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે લીધી છે.
ઈઝરાયલી સેનાના એક અધિકારીએ બુધવારે માહિતી આપતાં કહ્યું હતું કે, દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં મંગળવારે ઈઝરાયલી સશસ્ત્ર વાહન એક વિસ્ફોટક સાથે અથડાતાં સાત સૈનિકોના મોત થયા હતા. સૈન્યના નિયમો અનુસાર નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, છ સૈનિકોની ઓળખ જાહેર કરવામાં આવી છે, જ્યારે એકની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.
સેનાએ કહ્યું હતું કે, ખાન યુનિસ વિસ્તારમાં મંગળવારે ગોળીબારમાં એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે પોતાની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે, તેણે દક્ષિણ ગાઝા પટ્ટીમાં એક રહેણાક વિસ્તારની બિલ્ડિંગમાં છુપાયેલા ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો હતો. હમાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ખાન યુનિસમાં યાસીન 105 મિસાઇલ અને બીજી મિસાઇલ ઇમારત પર પડતા કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.
હમાસનું કહેવું છે કે, આ હુમલો ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી અને ગાઝામાં નાગરિકો પરના હુમલાઓનો જવાબ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, શું આ બંને ઘટનાઓ એક જ છે કે નહીં. ગાઝાના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયલના 21 મહિના લાંબા લશ્કરી અભિયાન દરમિયાન ગાઝામાં 56,077 લોકો મોત થયા છે.



