INTERNATIONAL

ન્યૂઝીલેન્ડમાં 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાશે

ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારું ‘ઓનલાઈન સેફ્ટી બિલ’ (Online Safety Bill) રજૂ કર્યું છે. સરકારના આ મહત્ત્વના નિર્ણયનો મુખ્ય હેતુ દેશના યુવાનોને ઓનલાઈન ઉત્પીડન, વ્યસન લગાડનારા એલ્ગોરિધમ અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરોથી બચાવવાનો છે.

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષનએ જણાવ્યું હતું કે, ‘અમે દેશના બાળકોની આખી પેઢીને થઈ રહેલું નુકસાન સહન કરી શકીએ નહીં. 13થી 17 વર્ષનું દર ત્રીજું બાળક રોજનો ઓછામાં ઓછો 5 કલાકનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, જેનાથી તેમનું કૌટુંબિક જીવન, અભ્યાસ અને ઊંઘ પ્રભાવિત થઈ રહ્યા છે.’

આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી લક્ષનની ગઠબંધન સરકારના બે મુખ્ય સહયોગી પક્ષો—’એક્ટ’ (ACT) પાર્ટી અને ‘ન્યુઝીલેન્ડ ફર્સ્ટ’ (NZ First)—આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ફર્સ્ટનું માનવું છે કે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની જવાબદારી વાલીઓની છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ વેરિફિકેશન અને પ્રાઈવસી સંબંધિત સવાલો ઉઠાવ્યા છે અને હજુ સુધી પોતાનું અંતિમ સમર્થન જાહેર કર્યું નથી.

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. હવે ફ્રાન્સ, યુકે, ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝિલ અને યુએઈ (UAE) સહિતના દેશોએ પણ આવા કાયદા પસાર કર્યા છે અથવા પ્રસ્તાવો આગળ વધાર્યા છે.

બિલની મુખ્ય જોગવાઈઓ

  • ટેક્નોલોજી કંપનીઓ પર ભારે દંડ: નિયમોનું પાલન ન કરનાર મેટા, ટિકટોક અને સ્નેપચેટ જેવી દિગ્ગજ કંપનીઓ પર તેમના વૈશ્વિક રેવેન્યુના 10 ટકા સુધીનો દંડ ફટકારી શકાશે.
  • એજ વેરિફિકેશનની પદ્ધતિઓ: પ્લેટફોર્મ્સે યુઝર્સની ઉંમર 16 વર્ષથી વધુ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ડિજિટલ ID, ફેશિયલ એજ એસ્ટીમેશન, હાલના એકાઉન્ટ ડેટા અને સત્તાવાર દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.
  • બાળકો કે વાલીઓ પર કોઈ પેનલ્ટી નહીં: દેશના શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું પાલન કરાવવાની સંપૂર્ણ કાનૂની જવાબદારી ટેક્નોલોજી કંપનીઓની જ રહેશે. બાળકો કે તેમના માતા-પિતા પર કોઈ દંડ લાદવામાં આવશે નહીં.

Back to top button
error: Content is protected !!