ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા
ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે (29 સપ્ટેમ્બર) કહ્યું છે કે, ‘અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે. સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે.’
જોકે ઈઝરાયલે કૌકને ઠાર કર્યો હોવાના દાવા પર હિઝબુલ્લાહ તરફથી કોઈપણ ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાહના અનેક ટોચના કમાન્ડરોને ઠાર કર્યા છે. સેનાએ લેબેનોના શહેર બૈરૂતમાં શુક્રવારે એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહનો નેતા હસન નસરુલ્લાનું પણ મોત થયું છે.’
છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હિઝબુલ્લાહનું મુખ્ય મથક ઈઝરાયલના લક્ષ્ય પર છે, જ્યાં હિઝબુલ્લાહના કેટલાક ટોચના નેતા બંકરમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ઈઝરાયલે ગઈકાલે પ્રચંડ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.
હિઝબુલ્લાહનો વડો નસરલ્લાહ ઈઝરાયલી હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલને હિઝબુલ્લાહએ પણ સમર્થન આપ્યું હતું. ઇઝરાયલે શુક્રવારે કરેલા હુમલામાં હિઝબુલ્લાહનો વડો, નસરલ્લાહ, તેની પુત્રી ઝૈનાબ, કમાન્ડર અલી કારસી, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો ડેપ્યુટી અધિકારી અબ્બાસ સહિત 11ના મોત થયા છે અને 108ને ઇજા થઈ છે. નસરલ્લાહ 32 વર્ષથી હિઝબુલ્લાહનું નેતૃત્વ પદ સંભાળતો હતો.