વિશ્વમાં ટૂંક સમયમાં જ અત્યાર સુધીનો સૌથી વિનાશક ‘સુપર અલ-નીનો’ જોવા મળી શકે છે : હવામાન વૈજ્ઞાનિકો

હવામાન વિજ્ઞાનીઓની તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં ટૂંક સમયમાં જ અત્યાર સુધીનો સૌથી વિનાશક ‘સુપર અલ-નીનો’ જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી પડી તો તે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને તાકતવર સુપર અલ-નીનો સાબિત થશે. હવામાન મોડેલ્સના આંકડા દર્શાવે છે કે આ સ્થિતિ સર્જાવાના કારણે વૈશ્વિક સ્તરે તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. જેના પરિણામે વિશ્વના અનેક દેશોમાં કાળઝાળ ગરમી, ભીષણ દુષ્કાળ અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જેવી કુદરતી આફતોનું પ્રમાણ વધી શકે છે.
શું છે આ સુપર અલ-નીનો અને તે કેવી રીતે બને છે?
સુપર અલ-નીનો એ કોઈ નવી વૈજ્ઞાનિક ઘટના નથી, પરંતુ તે હવામાનમાં આવતું એક મોટા પાયાનું પરિવર્તન છે. જ્યારે પેસિફિક મધ્ય સાગરની સપાટીનું પાણી સામાન્ય તાપમાન કરતા ખૂબ જ વધારે ગરમ થઈ જાય છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સમુદ્રમાં સર્જાતી આ ગરમી માત્ર સમુદ્રી વિસ્તાર પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ તેની સીધી અસર સમગ્ર દુનિયાના હવામાન ચક્ર પર પડે છે. આ જ કારણસર વિશ્વભરના વાતાવરણ વિજ્ઞાનીઓ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે.
છેલ્લા 150 વર્ષનો તમામ રેકોર્ડ તૂટવાની શક્યતા
કેલિફોર્નિયા સ્થિત પ્રખ્યાત સંસ્થા ‘બર્કલે અર્થ’ના રિપોર્ટ અનુસાર, વિશ્વના 14 અલગ-અલગ ક્લાઈમેટ મોડેલ્સ દ્વારા કરવામાં આવેલા સેંકડો અનુમાનોમાંથી લગભગ 90 ટકા મોડેલ્સ એવું દર્શાવી રહ્યા છે કે આ વખતે ટ્રોપિકલ પ્રશાંત મહાસાગરનું તાપમાન છેલ્લા 150 વર્ષની સરખામણીએ સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. આ દરમિયાન સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3.6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જવાની ભીતિ છે. આ પહેલા સૌથી શક્તિશાળી સુપર અલ-નીનો વર્ષ 2015-16માં નોંધાયો હતો, જ્યારે સમુદ્રી તાપમાનમાં 2.75 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવસર્જિત પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન પહેલેથી જ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં જો હવે અત્યંત મજબૂત સુપર અલ-નીનો પણ ઉમેરાશે, તો આ બંને પરિબળો ભેગા મળીને વૈશ્વિક તાપમાનને ખતરનાક સ્તરે પહોંચાડી દેશે. આ બમણા પ્રહારને કારણે પૃથ્વી પર અસહ્ય હીટવેવ, લાંબા ગાળાનો દુષ્કાળ અને ચોમાસાના ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
ભારતીય ચોમાસા અને હવામાન પર શું અસર પડશે?
ભારતના સંદર્ભમાં જોઈએ તો અલ-નીનોની સીધી અસર સામાન્ય રીતે ચોમાસાના વરસાદ પર જોવા મળતી હોય છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે અલ-નીનોના વર્ષોમાં ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે છે. જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દરેક વખતે એવું બનવું જરૂરી નથી, કારણ કે ભારતીય ચોમાસું માત્ર અલ-નીનો જ નહીં પરંતુ ઈન્ડિયન ઓશન ડીપોલ (IOD) જેવા અન્ય ઘણા સ્થાનિક અને સમુદ્રી પરિબળો પર પણ આધાર રાખે છે. છતાં, જો આ સુપર અલ-નીનો વધુ શક્તિશાળી બનશે તો ભારતમાં પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે અને વરસાદની પેટર્નમાં અચાનક ફેરફારો આવી શકે છે.
આગામી સમયમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે
હાલના તબક્કે આ વિવિધ ક્લાઈમેટ મોડેલ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવેલું એક અનુમાન છે. આગામી મહિનાઓમાં સમુદ્રના તાપમાન અને હવામાનના નવા આંકડાઓ સામે આવ્યા બાદ જ સાચી અને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ હાલ માટે મોટાભાગના વૈજ્ઞાનિક મોડેલ્સ એક જ ઈશારો કરી રહ્યા છે કે જો આ અનુમાન સાચું ઠરશે, તો વિશ્વએ છેલ્લા 150 વર્ષના સૌથી વિનાશક અને તાકતવર સુપર અલ-નીનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.



