લંડન ખાતે યોજાનારી વર્લ્ડ ઓર્થોપેડિક્સ કોન્ફરન્સમાં જૂનાગઢના ડો. કેતન પરમાર સંશોધન પેપર રજૂ કરશે

લંડન ખાતે યોજાનારી વર્લ્ડ ઓર્થોપેડિક્સ કોન્ફરન્સમાં જૂનાગઢના ડો. કેતન પરમાર સંશોધન પેપર રજૂ કરશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તબીબી ક્ષેત્ર માટે ગૌરવરૂપ સમાચાર પ્રાપ્ત થયા છે. શહેરની જાણીતી આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. કેતન પરમારની લંડન, યુકે ખાતે યોજાનારી ચોથી ‘વર્લ્ડ ઓર્થોપેડિક્સ કોન્ફરન્સ’ (Orthopedics 2026) માં પસંદગી કરવામાં આવી છે.
મેગ્નસ ગ્રુપ દ્વારા આગામી ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન લંડન ખાતે હાઈબ્રીડ ફોર્મેટમાં આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ ‘ઓર્થોપેડિક સાયન્સ ડિસ્કવરી ટુ ડેઈલી ફંક્શન’ રાખવામાં આવી છે. આ વૈશ્વિક મંચ પર ડો. કેતન પરમાર રૂબરૂ હાજર રહીને પોતાનું સંશોધન રજૂ કરશે.
જેમાં ડો. પરમાર દ્વારા “બાયપોલર હેમિયાર્થ્રોપ્લાસ્ટી અંડર લોકલ એનેસ્થેસિયા (2%)” વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે જટિલ ગણાતી થાપાના સાંધાની આ સર્જરી સ્થાનિક એનેસ્થેસિયામાં કેવી રીતે સફળતાપૂર્વક કરી શકાય, તે અંગે તેઓ વિશ્વભરના નિષ્ણાતો સમક્ષ સંશોધન રજૂ કરશે.
આ કોન્ફરન્સમાં અમેરિકાની અલાસ્કા યુનિવર્સિટીના સ્ટીફન એસ. ટાવર અને યુકેની કીલ યુનિવર્સિટીના વાગીહ અલ મસરી જેવા વિશ્વવિખ્યાત તબીબોની બનેલી સાયન્ટિફિક કમિટીએ ડો. કેતન પરમારના કાર્યની નોંધ લઈને તેમને નિમંત્રણ પાઠવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફલક પર જૂનાગઢનું નામ રોશન કરનાર ડો. કેતન પરમારની આ સિદ્ધિને શહેરના તબીબી આલમ અને અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવી છે.




