ખેરગામ:નાંધઇ ગુપ્તેશ્વર મંદિરે ત્રણ દિવસ ત્રિવેણી સ્નાનનો સેંકડો ભકતો લાભ લેશે
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સનાતન હિંદુના સંવતના બાર માસમાં મહા મહિનાની શિવરાત્રીનું મહત્વ ખૂબ અનેરૂ હોય :મહાશિવરાત્રી: તરીકે ઉજવાય છે, જે નિમિત્તે ખેરગામ તાલુકાના નાન્ધઈ ભૈરવી ગામે આવેલ સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સંકુલ કે જ્યાં પૂજ્ય રંગ અવધૂત બાપજીએ સાત દિવસ પૂજન અર્ચન કરી સ્વયં ધ્વનિત ઓમ-નાદનો અનેકને લાભ આપ્યો હતો, જેના મેળામાં સને ૫૮ માં જાત્રાળુકર ઉઘરાવી ખેરગામ જનતા માધ્યમિક શાળાનું નિર્માણ થયેલું.
આગામી તા. 26 થી 28 ત્રિ- દિવસિય મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન થયેલ છે. જેની દુકાનદારો, વિવિધ ચકડોળ, મોતનો કૂવો વાળા તડામાર તૈયારી કરી રહ્યા છે.
ખેરગામ તાલુકા દક્ષિણ ગુજરાતના અનેક ભક્તો ગુપ્તેશ્વર સંકુલમાં આવી થોડા કિલોમીટર પૂર્વે માન અને તાન નદી ભેગી થઈને પવિત્ર ઔરંગાનું રૂપ ધારણ કરી મંદિર પાસેથી ખળખળ વહે છે, જ્યાં વિરાટ વડલાની છાયામાં બે કુંડ બનેલા છે જેમાં ગુપ્ત ગંગા અને યમુનાનું પ્રાગટ્ય અનુભવી હજારો પુરુષો સ્ત્રીઓ કુંડમાં સ્નાન કરીને પવિત્રતા અનુભવી કુંભસ્નાન કર્યાનો આનંદ મેળવશે, કેટલાક શિવભક્તો પોતપોતાના ઘરે ફળિયે કે ગામના શિવમંદિરે મહાશિવરાત્રીની રાત્રી પૂજા અર્ચના અભિષેક કરી ઉજવે છે, જેના માટે ગુપ્ત ગંગા કુંડમાંથી પાણી ભરીને લઈ જઈ પોતે સ્નાન કરી બાદમાં શિવ અભિષેક કરે છે. એક આચાર્ય સાથે ત્રણ ભક્તો પવિત્ર જળના બોટલ્સ ભરીને પૂજા માટે લઈ જતા દ્રશ્યમાન છે.
દક્ષિણ ગુજરાતમાંથી શિવભક્તો આવતા હોય ત્રણ ચાર દિવસ સુધી ભારે માનવ મહેરામણ ઉમટે છે એસ.ટી બસ સેવા દોડાવે છે અને તેના લીધે ખેરગામ સ્ટેશનના પોલીસ તંત્રે પણ વિશેષ સેવા ખડે પગે બજાવવી પડે છે કે જેથી મેળામાં શાંતિ જળવાઈ રહે.ગુપ્તેશ્વર મંદિર સમિતિ ગુપ્ત ગંગા કુંડ પાસે વિશેષ વ્યવસ્થા કરી દરેકને લાભ મળે તેવી વ્યવસ્થાની પવિત્ર સ્નાન ઇચ્છુકો આશા રાખે છે.