NATIONAL

રામ મંદિરમાંથી 147 કિલોનું સોનાથી મઢેલું રામચરિતમાનસ પણ ગુમ !!!

અયોધ્યામાં રામલલ્લાને અર્પણ કરવામાં આવેલી ભેટ-સોગાદો અને આભૂષણો ગુમ થવા અંગે એક નવો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે દાવો કર્યો છે કે, તેમના પરિવાર દ્વારા રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવેલી 147 કિલો વજનની સોનાથી મઢેલી ‘રામચરિતમાનસ’ પ્રત ગુમ થઈ ગઈ છે. આ કિંમતી ભેટ તેમણે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને રૂબરૂ સોંપી હતી.

પૂર્વ ગૃહ સચિવે આક્ષેપ કર્યો છે કે, વારંવાર વિનંતી કરવા છતાં ટ્રસ્ટ દ્વારા તેમને આ કિંમતી દાનની કોઈ રસીદ આપવામાં આવી નથી, કે તેની સુરક્ષા અંગે કોઈ માહિતી શેર કરાઈ નથી.

એસ. લક્ષ્મીનારાયણે સમગ્ર ઘટનાક્રમ જણાવતા કહ્યું કે, ‘હું એપ્રિલ 2024માં મારી પત્ની સરસ્વતી સાથે અયોધ્યા ગયો હતો. તે સમયે મેં ચંપત રાયને આ પવિત્ર રામચરિતમાનસ અર્પણ કરી હતી. મને ખાતરી આપવામાં આવી હતી કે તેને રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, પરંતુ રસીદ આપવામાં આવી નહોતી.’

RSSના વડા અંગે એસ. લક્ષ્મીનારાયણે જમાવ્યું કે, ‘રસીદ મેળવવા માટે તેઓ બે વાર અયોધ્યા ગયા હતા. એકવાર 9 કલાક અને બીજી વાર 4 કલાકની લાંબી રાહ જોયા બાદ ચંપત રાય સાથે મુલાકાત થઈ શકી હતી. તેમણે રસીદ આપવાનું વચન આપ્યું હતું, પણ આજ દિન સુધી રસીદ મળી નથી. આ બાબતે મે હૈદરાબાદમાં RSSના વડા ડૉ. મોહન ભાગવત સમક્ષ પણ રજૂઆત કરી હતી. મોહન ભાગવતે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યાંથી પણ આગળ કોઈ જવાબ મળ્યો નથી.’

ગુમ થયેલી આ રામચરિતમાનસ માત્ર આર્થિક રીતે જ નહીં, પણ આસ્થાની દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે. આ રામચરિતમાનસના કુલ 522 પાના છે, જેનું વજન આશરે 147 કિલોગ્રામ છે અને તે સંપૂર્ણ સોનાથી મઢેલી છે. બજાર મૂલ્ય પ્રમાણે આ સોનાની પ્રતની કિંમત આશરે સાડા ચારથી પાંચ કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

એસ. લક્ષ્મીનારાયણે જણાવ્યું કે, ‘આ મારી સ્વર્ગસ્થ માતાની ભક્તિનો ખજાનો હતો, જેમણે પોતાના જીવનના 15થી 18 વર્ષ રામ નામ લખવામાં વિતાવ્યા હતા.’

પૂર્વ ગૃહ સચિવનો પરિવાર દાયકાઓથી રામ જન્મભૂમિ ચળવળ સાથે સીધો જોડાયેલો છે. કન્યાકુમારીથી આંદોલન માટે મોકલવામાં આવેલી સૌથી પહેલી ઈંટ લક્ષ્મીનારાયણના સસરાના ઘરેથી જ મોકલવામાં આવી હતી. આટલી અતૂટ શ્રદ્ધા ધરાવતા પરિવાર સાથે ટ્રસ્ટના આવા વલણને કારણે હવે આ મુદ્દો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. જોકે, આ ગંભીર આક્ષેપો અંગે હજુ સુધી રામ મંદિર ટ્રસ્ટ કે ચંપત રાય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

Back to top button
error: Content is protected !!