NATIONAL

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ હવે જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ !!!

મિડલ ઈસ્ટ  સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારીમાં છે. દેશમાં જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પડી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે ‘આપાતકાલીન વધારો’ (Emergency Price Hike) કરવાની મંજૂરી આપી શકે છે. જો કે, રાહતની વાત એ છે કે આ વધારો અસ્થાયી (Temporary) હશે. જેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થશે અને કાચા માલની સપ્લાય શરૂ થશે, તેમ જ આ વધેલી કિંમતો પાછી ખેંચી લેવામાં આવશે. હાલ આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી છે.

ભારતીય દવા ઉદ્યોગના મતે, મિડલ ઈસ્ટ સંકટના કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API – કાચો માલ) ની કિંમતોમાં 200 થી 300 ટકાનો તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની છે.

તાજેતરમાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 3.90 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે, જેના લીધે નવી દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પર પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને બચાવવા માટે અને ચાલુ ખાતાની ખાધ (CAD) રોકવા માટે દેશવાસીઓને ઇંધણનો સમજી-વિચારીને ઉપયોગ કરવા, સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવા અને વિદેશ યાત્રાઓ હાલ પૂરતી સ્થગિત કરવા અપીલ કરી છે.

બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ભારતમાં દર મહિને 1 કરોડ ટન ડીઝલનું ઉત્પાદન થાય છે જ્યારે વપરાશ 85 લાખ ટન જ છે. જો કે, તેમણે ચિંતા વ્યક્ત કરી કે ભારત પોતાની એલપીજી (LPG) ની 60 ટકા માંગ આયાત દ્વારા પૂરી કરે છે અને તેમાંથી 90 ટકા સપ્લાય ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) માંથી આવે છે, જે યુદ્ધના કારણે હાલ બંધ જેવી સ્થિતિમાં છે. આથી સરકારે સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે.

Back to top button
error: Content is protected !!