દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શપથ લીધા, કેજરીવાલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આતિશી દેશની 17મી મહિલા મુખ્યમંત્રી બન્યા
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આતિશી દેશની 17મી મહિલા મુખ્યમંત્રી અને સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત બાદ દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની છે. આતિશીની સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા છે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને નવા સભ્ય મુકેશ અહલાવતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આતિશીએ કહ્યું, ‘આજે મેં સીએમ તરીકે શપથ લીધા છે પરંતુ અમારા માટે આ ભાવનાત્મક ક્ષણ છે જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નથી. અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોનું જીવન બદલી નાખ્યું. આ સાથે આતિશીએ કહ્યું, ‘હવે આપણે બધાએ એક જ કામ કરવાનું છે. અરવિંદ કેજરીવાલને ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા પડશે.
મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીએ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પણ અરવિંદ કેજરીવાલ સાથે ઉભા હતા. ત્યારબાદ આતિષીએ આગળ આવીને પૂર્વ સીએમ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.