ગુજરાત મ્યૂનિ. ચૂંટણીઓના ઉમેદવારોએ જીવનસાથીની સંપત્તિ પણ જાહેર કરવી પડે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : ગુજરાતમાં ૨૦૧૫માં યોજાયેલી મ્યૂનિ. કોર્પોરેશનની એક ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે આ મામલામાં એવી સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી લડનારા ઉમેદવારે પોતાની સંપત્તિ તો જાહેર કરવાની જ હોય સાથે જ પોતાના પત્ની કે પતિની સંપત્તિ પણ જાહેર કરવી ફરજિયાત છે. જોકે સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી છે કે મ્યુનિ.ની ચૂંટણીમાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ આરપીએ ૧૯૫૧ લાગુ નથી પડતો.
આ સમગ્ર મામલો ગુજરાતમાં ૨૦૧૫માં યોજાયેલી મ્યૂનિ.ની ચૂંટણી સાથે સંકળાયેલો છે, પૂર્વ મ્યૂનિ. કાઉન્સિલર ચંદ્રીકાબેનની અપીલ પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સંજય કારોલ અને ન્યાયાધીશ એન કોટિશ્વરસિંહની બેંચે સ્પષ્ટતા કરી હતી કે મ્યૂનિ.ની ચૂંટણીમાં ૧૯૫૧નો આરપીએ કાયદો લાગુ નથી પડતો, જો કોઇ ઉમેદવાર ખોટુ સોગંદનામુ રજુ કરે તો તેની સામે આઇપીસીની કલમો હેઠળ કાર્યવાહી થઇ શકે. અરજદાર સામે એવા આરોપ છે કે તેણે ચૂંટણી લડતી વખતે આપેલા સોગંદનામામાં પોતાના પતિની સંપત્તિ અંગેની માહિતી છૂપાવી હતી.
અરજદારને મેજિસ્ટ્રેટ દ્વારા આરપીએની કલમ ૧૨૫એ હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમે નોંધ્યું હતું કે આ મામલે ખાનગી ફરિયાદ આઇપીસીની કલમો હેઠળ જ થઇ છે. સુપ્રીમની બેંચે નોંધ્યું હતું કે ગુજરાત મ્યૂનિ. (ચૂંટણી આયોજન) નિયમ ૧૯૯૪ અને તેમાં ૨૦૦૫માં કરાયેલા સુધારા મુજબ મ્યૂનિ. ચૂંટણી લડનાર ઉમેદવાર માટે પોતાની અને પોતાના જીવનસાથીની સંપત્તિની માહિતી જાહેર કરવી ફરજિયાત છે. જોકે આ મામલામાં આરપીએની કલમો ના લાગી શકે તે દલીલોને સુપ્રીમે સ્વીકારી હતી. હાલમાં મેજિસ્ટ્રેટને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવા કહ્યું છે.





