ધોરણ 9th અને 10th ના વિદ્યાર્થીઓ માટે નવો ત્રણ-ભાષાનો નિયમ લાગુ કરવાનો નિર્ણય : CBSE

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ દેશભરની તમામ સંલગ્ન શાળાઓમાં શિક્ષણના માળખાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના બહુભાષી શિક્ષણ મોડલને અપનાવતા બોર્ડે આગામી શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9th અને 10th ના વિદ્યાર્થીઓ માટે નવો ત્રણ-ભાષાનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓની ભાષાકીય ક્ષમતાનો વિકાસ થશે અને તેઓ પોતાની સંસ્કૃતિ સાથે વધુ નજીકથી જોડાઈ શકશે.
નવી શૈક્ષણિક વ્યવસ્થા અંતર્ગત ભાષાઓને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જેને R1, R2 અને R3 નામ આપવામાં આવ્યા છે. જેમાં R1 એ વિદ્યાર્થીની મુખ્ય ભાષા (મેન લેન્ગ્વેજ) રહેશે, R2 એ તેની બીજી ભાષા અને R3 એ ત્રીજી ભાષા તરીકે ઓળખાશે. આ ત્રણેય ભાષાઓ એકબીજાથી તદ્દન અલગ હોવી જોઈએ. આ ફોર્મ્યુલાનો સૌથી મહત્વનો નિયમ એ છે કે આ 3 ભાષાઓમાંથી કોઈપણ 2 ભારતીય ભાષાઓ (Indian Languages) હોવી જ જોઈએ.
ઘણા વિદ્યાર્થીઓ શાળા સ્તરે જ ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ કે અન્ય ગ્લોબલ લેન્ગ્વેજ શીખવા માંગતા હોય છે. બોર્ડે આ અંગે સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ વિદેશી ભાષાની પસંદગી ચોક્કસ કરી શકે છે, પરંતુ તેને માત્ર ત્રીજી (R3) અથવા વધારાની ચોથી ભાષા તરીકે જ રાખી શકાશે. વિદેશી ભાષાઓ ક્યારેય ભારતીય ભાષાઓનું સ્થાન લઈ શકશે નહીં. એટલે કે, ગમે તે પરિસ્થિતિમાં 2 ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવો અનિવાર્ય રહેશે.
CBSE એ પોતાના નિયમોને સમયસર અમલમાં લાવવા માટે તમામ શાળાઓને કડક આદેશ આપ્યો છે કે તેઓ 31 May 2026 સુધીમાં પોતાની ત્રીજી ભાષાના વિકલ્પો નક્કી કરી લે. દેશની ઘણી શાળાઓએ અત્યારથી જ ભાષાના ઓપ્શન્સ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે, કેટલીક શાળાઓને લાયક લેન્ગ્વેજ ટીચર્સ અને પૂરતા સંસાધનોના અભાવ જેવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
શાળાઓમાં ભાષાના શિક્ષકોની અછત ન સર્જાય તે માટે બોર્ડે કેટલાક સ્માર્ટ વૈકલ્પિક રસ્તાઓ (Alternative Arrangements) સૂચવ્યા છે. બોર્ડના જણાવ્યા મુજબ, શાળાઓ ઓનલાઈન અને હાઈબ્રિડ ક્લાસીસ શરૂ કરી શકે છે, આસપાસની શાળાઓ સાથે મળીને ક્લસ્ટર બેઝ્ડ અભ્યાસ કરાવી શકે છે, નિવૃત્ત શિક્ષકોની સેવાઓ ફરીથી મેળવી શકે છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ના વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે ભણાવવા માટે જોડી શકે છે.
આ નવા શૈક્ષણિક મોડલમાં સ્થાનિક સાહિત્ય, લોકવાર્તાઓ, પ્રાદેશિક કવિતાઓ અને સામગ્રીને અભ્યાસક્રમમાં વણી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોર્ડ દ્રઢપણે માને છે કે જો વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા અને પ્રાદેશિક સાહિત્યનો અભ્યાસ કરશે, તો તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ નહીં થાય.
વાલીઓ અને વિદ્યાર્થીઓના માથા પરથી પરીક્ષાનું ટેન્શન ઓછું કરતા બોર્ડે એક મોટી રાહત આપી છે. ત્રીજી ભાષા એટલે કે R3 કેટેગરી માટે કોઈ અલગથી બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે નહીં. તેનું ઇવેલ્યુએશન (Evaluation) શાળા કક્ષાએ જ આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) દ્વારા કરવામાં આવશે. જો કે, વિદ્યાર્થીએ આ વિષયમાં કેવું પ્રદર્શન કર્યું છે તેની વિગતો સીબીએસઈ દ્વારા આપવામાં આવતા ફાઇનલ સર્ટિફિકેટ કે ગુણપત્રકમાં ચોક્કસ દર્શાવવામાં આવશે.





