NATIONAL

નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર નથી : SIR વિવાદ પર સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળના ચર્ચાસ્પદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક મહત્વની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર નથી. ચૂંટણી પંચનો અધિકાર માત્ર મતદારયાદીના નિયંત્રણ અને સુપરવિઝન પૂરતો જ મર્યાદિત છે, તેથી કાયદાની આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ નથી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, જો કોઈ ટ્રિબ્યુનલ કોઈ વ્યક્તિનું નામ SIR યાદીમાં સામેલ ન કરવાનો નિર્ણય આપે, તો ચૂંટણી પંચે નાગરિકતાના નિર્ધારણ માટે આ મામલો સંબંધિત મંત્રાલયને મોકલવો પડશે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર મતદારયાદીમાં નામ ન હોવાને કારણે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા આપોઆપ ખતમ થઈ જતી નથી. પશ્ચિમ બંગાળમાં SIR અંતર્ગત વિધાનસભા ક્ષેત્રવાર માહિતી માંગતી એક જાહેર હિતની અરજી(PIL) પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસની બેન્ચે આ અરજી પર વધુ સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે અને આ મામલાની આગામી સુનાવણી 25 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયાને લઈને લાંબા સમયથી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ ચૂકી છે. એક તરફ જ્યાં શાસક પક્ષના નેતાઓ આ પ્રક્રિયાને જનતાના હિતમાં ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે સત્તા હડપ કરવા માટે ભાજપ સરકાર આ પ્રક્રિયા કરાવી રહી છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝને(SIR) ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીને અદ્યતન, શુદ્ધ અને ભૂલરહિત બનાવવા માટે ચલાવવામાં આવતું એક વિશેષ અભિયાન છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મતદારયાદીમાં માત્ર પાત્ર ભારતીય નાગરિકોના જ નામ સામેલ હોય અને મૃત્યુ પામેલા, અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયેલા કે અપાત્ર વ્યક્તિઓના નામ યાદીમાંથી હટાવી શકાય.

સામાન્ય રીતે ચૂંટણી પંચ દર વર્ષે મતદારયાદીનું સંક્ષિપ્ત પુનરીક્ષણ કરતું જ હોય છે, પરંતુ જ્યારે કોઈ ચોક્કસ રાજ્ય કે વિસ્તારમાં વ્યાપક અને સઘન તપાસની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે SIR લાગુ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને વેરિફિકેશન, દસ્તાવેજોની ચકાસણી અને મતદારોની પાત્રતાનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!