રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રામાં સામેલ દિગ્વિજય સિંહે પંજાબના પઠાણકોટમાંથી પત્રકારને ફોન પર જણાવ્યું હતું કે અમારી માગ છે કે વીવીપીએટી સ્લીપ માઇક્રોચીપવાળા બોક્સમાં રાખવામાં ન આવે અને ચૂંટણીના પરિણામો વીવીપીએટી સ્લીપને આધારે જાહેર કરવામાં આવે.
આ અગાઉ દિગ્વિજય સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે રિમોટ વોટિંગ મશીન (આરવીએમ) અંગે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવા બદલ ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો. એક અન્ય ટ્વિટમાં સિંહે જણાવ્યું હતું કે ઇવીએમ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા ઓછી છે. ચીપવાળી કોઇ પણ વસ્તુ ટેમ્પર પ્રુફ નથી તે પણ એક હકીકત છે.
ભારતીય ચૂંટણી પંચને સિવિલ સોસાયટી એક્ટિવિસ્ટ અને રાજકીય દળો દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્રો અંગે સંતોષજનક પ્રતિક્રિયા આપવી જોઇએ. જો કે સિંહે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે બેલેટ પેપરથી મતદાન કરવાનું દબાણ બનાવી રહ્યાં નથી.
તેમણે જણાવ્યું હતું કે હું બેલેટ પેપર દ્વારા મતદાનનું સૂચન કરી રહ્યો નથી. હું સામાન્ય સંશોધનની સાથે ઇવીએમથી મતદાન કરવાનો ખૂબ જ સરળ ઉપાય બતાવી રહ્યો છે.