NATIONAL

વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી

જીવું છું ત્યાં સુધી વક્ફ કાયદો બંગાળમાં લાગુ નહીં થાય: મમતા બેનરજી 

વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે.

સ્થાનિક અહેવાલો અનુસાર ટોળાંએ લૂંટપાટના ઈરાદે હુમલો કર્યો હતો. પિતા અને પુત્રએ ટોળાંનો પ્રતિકાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. મૃતકોના નામ હરગોવિંદ દાસ તથા ચંદન દાસ છે. ગઈકાલે વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવકને પોલીસની ગોળી વાગી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન આજે તે યુવકનું મોત થયું છે.

Back to top button
error: Content is protected !!