
નર્મદા : વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તેમજ ‘સરદાર સરોવર ડેમ’ની મુલાકાતે
રાજપીપલા : જુનેદ ખત્રી
વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શ્રી વ્રજરાજકુમારજીએ નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સાથે ‘સરદાર સરોવર ડેમ’ની ભાવસભર મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો,પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.
તદ્દઉપરાંત, સરદાર સાહેબના હ્રદય સ્થળ વ્યૂઈંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંદ્યાચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે ગાઈડશ્રી મયુર રાઉલ અને અનિકેત વ્યાસ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી.તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી
આ તકે, વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્રી વ્રજરાજકુમારજીએ મુલાકાત પોથીમાં ઉલ્લેખ કર્યો હતો કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં નિર્માણ પામેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની મુલાકાત લઇ પોતાને ગૌરવાન્વિત અનુભવું છું. આ સ્ટેચ્યુ એ વિશ્વમાં વસતા ભારતીયો માટે આન, બાન અને શાન છે.લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના દેશની અખંડતા સંગઠન માટેનો ભોગ છે તેમને ચરિતાર્થ કરતુ આ અદભુત ક્ષેત્ર છે



