NATIONAL

ગુજરાત સહિત દેશના 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત અનેક રાજ્યો હાલ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે. આગામી સપ્તાહમાં એટલે કે આજથી 18 જૂન સુધી અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આઈએમડીએ ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-NCR, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન-નિકોબાર માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના જુદા જુદા ભાગોમાં 9થી 12 જૂન વચ્ચે ભારે વરસાદ, કેરળ અને માહેમાં 9થી 15 જૂન દરમિયાન મૂશળધાર વરસાદ, રાયલસીમામાં 10થી 13 જૂને ભારે વરસાદ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારો અને યનમમાં 11થી 12 જૂન ભારે વરસાદ, તેલંગણામાં 12 જૂને મૂશળધાર વરસાદ, કર્ણાટકમાં 9થી 10 જૂને વરસાદ, લક્ષદ્વીપમાં 13 જૂને ભારે વરસાદ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં 11થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રમાં 9થી 15 જૂને ભારે પવન અને વીજળી ગર્જવાની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડું આવી શકે છે.

11થી 15 જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 12 થી 15 જૂન દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. 9 થી 11 જૂન દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પણ જોવા મળી શકે છે.

ગુજરાતમાં આગામી 13 અને 14 જૂને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું. હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે. જે આગામી 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવન મજબૂત થતા ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 13થી 14 જૂન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી.

Back to top button
error: Content is protected !!