‘મરાઠી અને હિન્દીની જેમ, ઉર્દૂ પણ ભારતની જ ભાષા’ સુપ્રીમ કોર્ટે નો ઐતિહાસિક નિર્ણય
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુરમાં મ્યુનિસિપલ કાઉન્સિલના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાષા કોઈ ધર્મ નથી અને તે લોકોને વિભાજિત કરવાનું કારણ ન બનવું જોઈએ. ઉર્દૂ ભાષાને ગંગા-જમુની સંસ્કૃતિ અને હિન્દુસ્તાની તહઝીબનું ઉત્તમ ઉદાહરણ ગણાવીને કોર્ટે આ નિર્ણયને સાંસ્કૃતિક એકતાના સંદર્ભમાં મહત્વનો ગણાવ્યો.
આ મામલો મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર ખાતેની મ્યુનિસિપલ કાઉન્સિલના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગથી શરૂ થયો હતો. પાતુરના ભૂતપૂર્વ કાઉન્સિલર વર્ષતાઈ સંજય બાગડેએ આ ઉપયોગનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. તેમની દલીલ હતી કે મ્યુનિસિપલ કાઉન્સિલનું કાર્ય ફક્ત મરાઠી ભાષામાં જ થવું જોઈએ અને સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાનો ઉપયોગ ગેરકાયદે છે. બાગડેનો દાવો હતો કે ઉર્દૂનો ઉપયોગ સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેનો કોઈ ઔચિત્ય નથી. આ અરજીને મ્યુનિસિપલ કાઉન્સિલે ફગાવી દીધી હતી, જે બાદ બાગડે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી. જોકે, હાઈકોર્ટે પણ તેમને કોઈ રાહત આપી નહીં. આખરે, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેંચે આ કેસની સુનાવણી હાથ ધરી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભાષા એ કોઈ ધર્મનું પ્રતિનિધિત્વ કરતી નથી, બલ્કે તે સમાજની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રગતિનું પ્રતીક છે. કોર્ટે ઉર્દૂ ભાષાને ભારતની સંયુક્ત સાંસ્કૃતિક વિરાસતનો હિસ્સો ગણાવી, જે ખાસ કરીને ગંગા-જમુની તહઝીબ અને હિન્દુસ્તાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્કૃતિ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ સમુદાયોની સાંસ્કૃતિક એકતાને દર્શાવે છે.
સુનાવણી દરમિયાન કોર્ટે ઉર્દૂ ભાષા સામેના પૂર્વગ્રહો પર પણ ટિપ્પણી કરી. ઘણા લોકો ઉર્દૂને વિદેશી ભાષા માને છે, પરંતુ કોર્ટે આ ગેરસમજને દૂર કરતાં કહ્યું કે, ઉર્દૂ એ ઇન્ડો-આર્યન ભાષા છે, જેનો જન્મ ભારતની ધરતી પર થયો છે. મરાઠી અને હિન્દીની જેમ, ઉર્દૂ પણ ભારતની જ ભાષા છે. કોર્ટે ઉમેર્યું કે ઉર્દૂને ધર્મ સાથે જોડવાની ધારણા ખોટી છે અને તે સમાજમાં વિભાજન પેદા કરી શકે છે. ઉર્દૂ ભાષાને ગંગા-જમુની સંસ્કૃતિના પ્રતીક તરીકે ઓળખાવીને કોર્ટે એ સંદેશ આપ્યો છે કે, ભાષા એ સમાજને જોડવાનું માધ્યમ છે, વિભાજનનું નહીં. આ નિર્ણય ખાસ કરીને એવા સમયે મહત્વનો છે જ્યારે ભાષા અને ધર્મના આધારે સામાજિક વિભાજનના પ્રયાસો થતા હોય છે.