નીતિન ગડકરીએ લાઈફ અને મેડિકલ વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી દૂર કરવાની માંગ કરી
બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આ બાબતો પર GST હટાવવા માટે અપીલ કરી છે. નાણામંત્રીને પત્ર લખીને લાઈફ અને મેડિકલ વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી દૂર કરવાની માંગ કરી છે. સીતારમણને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું કે, નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને તેમને આ મુદ્દાઓ પર મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા GST લાદવો એ ‘જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે.’ તેનાથી આ સેક્ટરનો ગ્રોથ અટકી જશે.
નીતિન ગડકરીએ નાણામંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, “આપને વિનંતી છે કે જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ પર GST પાછી ખેંચવાના સૂચનને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તે વરિષ્ઠ નાગરિકો માટે બોજારૂપ બની જાય છે. સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરનો 18 ટકા GST આ સેગમેન્ટના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે જે સામાજિક રીતે જરૂરી છે.
ગડકરીએ કહ્યું કે, જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા સમાન છે. યુનિયનનું માનવું છે કે જે વ્યક્તિ પરિવારને કંઈક સુરક્ષા આપવા માટે જીવનની અનિશ્ચિતતાઓના જોખમને કવર કરે છે. આવા પ્રિમિયમ પર ટેક્સ ન લગાવવો જોઈએ. આ જીવન વીમા પોલીસી અંતર્ગત સારવાર, સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ માટે ટેક્સ કપાત ફરીથી શરૂ કરવા અને જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓના એકીકરણ તરફ પણ નિર્દેશ કરે છે.
આવું પહેલી વખત નથી જ્યારે નિર્મલા સીતારમણને આરોગ્ય વીમા પ્રીમિયમ પર લાદવામાં આવેલા GST પર પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી હોય. આ વર્ષે જૂનમાં, કન્ફેડરેશન ઑફ જનરલ ઇન્શ્યોરન્સ એજન્ટ્સ એસોસિએશન્સ ઑફ ઇન્ડિયાએ સરકારને વ્યક્તિગત મેડિકલ પોલિસી પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની અપીલ કરી હતી.