NATIONAL

દેશમાં કુલ ૭૮૮ સાંસદોમાંથી ૩૨૬ એટલે કે લગભગ ૪૧ ટકા સાંસદો સામે વિવિધ કોર્ટમાં ક્રિમિનલ કેસ

નવી દિલ્હી : દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સંસદને લોકતંત્રનું મંદિર માનવામાં આવે છે, પરંતુ દેશની સંસદમાં હાલ ક્રિમિનલ્સનો કબજો છે તેવું આકલન સુપ્રીમ કોર્ટને સોંપાયેલા એક રિપોર્ટ પરથી નીકળી શકે છે. રાજકારણમાં અપરાધીકરણના સંબંધમાં સુપ્રીમ કોર્ટને એક રિપોર્ટ સોંપાયો છે. આ રિપોર્ટ મુજબ દેશમાં કુલ ૭૮૮ સાંસદોમાંથી ૩૨૬ એટલે કે લગભગ ૪૧ ટકા સાંસદો સામે વિવિધ કોર્ટમાં ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. આ સિવાય ૨૮ રાજ્યોમાં ૧૪ મુખ્યમંત્રીઓ સામે ગંભીરથી અતિ ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. આ રિપોર્ટ મુજબ દેશની વિવિધ કોર્ટોમાં સાંસદો અને ધારાસભ્યો સામે કુલ ૪,૧૯૨ કેસ પેન્ડિંગ છે.
રાજકારણના ક્રિમિનલાઈઝેશનના સંબંધમાં દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ચાલતા ક્રિમિનલ કેસો પર પ્રકાશ પાડતો એક તાજા સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપયો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે લોકસભાના ૫૪૩માંથી ૨૫૧ સાંસદો તેમજ રાજ્યસભાના ૨૩૩માંથી ૭૫ એટલે કે ૩૩ ટકા સાંસદો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

સુપ્રીમ કોર્ટમાં વરીષ્ઠ વકીલ વિજય હંસારિયાએ એક સોગંદનામુ દાખલ કરી કહ્યું કે, તેમને સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસોનો વહેલી તકે નિકાલ કરવાની માગણી કરતી પીઆઈએલમાં ન્યાયમિત્ર તરીકે નિયુક્ત કરાયો છે. આ સોંગદનામામાં કહેવાયું છે કે દેશની વિવિધ અદાલતોમાં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ૪,૦૦૦થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

સોગંદનામામાં કહેવાયું છે કે ૨૮ રાજ્યોમાંથી ૧૪ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં ગંભીર કેસોનો પણ સમાવેશ થાય છે. આ આંકડા એનજીઓ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાંથી લેવાયા છે. આ સોગંદનામા મુજબ લોકસભામાં ૧૭૦ સાંસદો સામે એવા ગંભીર ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, જેમાં પાંચ વર્ષથી વધુની સજા થઈ શકે છે. એ જ રીતે રાજ્યસભામાં ૭૫માંથી ૪૦ એટલે કે ૧૮ ટકા સાંસદો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમને પાંચ વર્ષથી વધુની સજા થઈ શકે છે.

હંસારિયાએ જણાવ્યું કે સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોમાં ઝડપથી ટ્રાયલ થાય તે માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા નિરીક્ષણ રાખવામાં આવતું હોવા છતાં વર્ષ ૨૦૧૮થી આવા કેસોની સ્થિતિમાં મોટાભાગે કોઈ ફેરફાર થયો નથી. વિવિધ હાઈકોર્ટ્સ દ્વારા એકત્ર કરાયેલા આંકડા દર્શાવે છે કે ૨૦૨૫માં સાંસદો-ધારાસભ્યો સામે ૧૨૪૩ કેસોનો નિકાલ કરાયો હતો જ્યારે ૧,૦૫૦ નવા કેસ દાખલ થયા હતા. પૂર્વ અને વર્તમાન સાંસદો તથા ધારાસભ્યો સામે કુલ ૪,૧૯૨ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.

દેશના ૨૮ રાજ્યોમાંથી ૧૪ મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં તેમની સામે ગંભીર ગુનાઓ સહિતના ક્રિમિનલ કેસો નોંધાયેલા હોવાની જાહેરાત કરી છે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ ૮૯, પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી સામે ૨૯ અને કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સામે ૧૯ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

ન્યાયમિત્ર હંસારિયાએ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસોના ઝડપી નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટે તેના પર નજર રાખવી જોઈએ તે બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે માગ કરી કે સાંસદો-ધારાસભ્યો માટે નિશ્ચિત કરાયેલી વિશેષ અદાલતો માત્ર તેમની સામેના કેસોની જ સુનાવણી કરે.

ગુજરાતમાં ૨૫માંથી પાંચ સાંસદો સામે ક્રિમિનલ કેસ, રાજ્યોમાં કેરળમાં સૌથી વધુ ૧૯ સાંસદો સામે કેસ નોંધાયા

નવી દિલ્હી : રાજ્યોમાં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસોના સંદર્ભમાં કેરળમાં ૨૦માંથી સૌથી વધુ ૧૯ સાંસદો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમાં ૧૧ સામે ગંભીર કેસોનો સમાવેશ થાય છે.
તેલંગણામાં ૧૭માંથી ૧૪, ઓડિશામાં ૨૧માંથી ૧૬, ઝારખંડમાં ૧૪માંથી ૧૦ સાંસદો ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે. તમિલનાડુમાં ૩૯ સાંસદોમાંથી ૨૬ સામે તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ અડધાથી વધુ સાંસદો સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. જોકે, કેટલાક રાજ્યોમાં બહુ ઓછા સાંસદો સામે ક્રિનિલ કેસ નોંધાયા છે. હરિયાણા અને છત્તીસગઢમાં માત્ર એક-એક સાંસદ જ્યારે પંજાબમાં ૧૩માંથી બે, આસામમાં ૧૪માંથી ત્રણ, દિલ્હીમાં સાતમાંથી ત્રણ, રાજસ્થાનમાં ૨૫માંથી ચાર, ગુજરાતમાં ૨૫માંથી પાંચ અને મધ્ય પ્રદેશમાં ૨૯માંથી નવ સાંસદો સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!