NATIONAL

પેપર લીક કરવું પણ ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓના સપનાં ચકનાચૂર થઇ જાય છે: ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ ભ્રષ્ટાચારને ‘ત્રણ માથાવાળો રાક્ષસ’ ગણાવતા આ સામાજિક બદી પર આકરા પ્રહાર કર્યા હતા. લોકપાલ દિવસે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર લોકોના વિશ્વાસ અને લોકશાહીની વિચારધારાને નષ્ટ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલની સફળતા નાગરિકોના વિશ્વાસ અને જોડાણ પર આધારિત છે. પેપર લીક પણ ભ્રષ્ટાચારનો જ હિસ્સો છે કારણ કે, તે વિદ્યાર્થીઓની મહત્ત્વાકાંક્ષા અને સપના ચકનાચૂર કરી નાખે છે. આ પ્રકારનો ભ્રષ્ટાચાર જાહેર શિક્ષણ અને નોકરી મેળવવાની ક્ષમતાના અધિકારો પર ગંભીરરૂપે અસર કરે છે.’

આ વિશે વધુ વાત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘બંધારણીય યોજનાઓ માટે લોકપાલ અત્યંત મહત્ત્વનો હોદ્દો છે, જે દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં મદદરૂપ બને છે. જો કે, એકમાત્ર લોકપાલની સ્થાપનાથી ભ્રષ્ટાચારની સમસ્યાઓ દૂર ના થઈ શકે. લોકપાલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવું પડશે. આ સંયુક્ત જોડાણ જ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી કાઢી નાખવામાં મદદરૂપ થશે.’

ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અંગે તેમણે કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર અને લાંચ કાયદા-નિયમોનું ઉલ્લંઘન સમાજનું પતન કરે છે. તે લોકોનો વિશ્વાસ તોડે છે. પરિણામે રાજકીય અને આર્થિક અસ્થિરતા સર્જાય છે. આ પ્રકારની સ્થિતિ સામાજિક વિભાજન સાથે હિંસાને જન્મ આપે છે.’

ચીફ જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, ‘ગરીબો પોતાની આવકનો સૌથી વધુ હિસ્સો લાંચ આપવામાં ખર્ચ કરે છે. સરકારી સેવાઓ પર નિર્ભર ગરીબો અને ખાસ કરીને મહિલાઓ ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ બને છે. વંચિત જાતિઓ પણ તેનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ ઉચ્ચ વર્ગના લોકો પૈસાના જોરે સરકારી સેવાઓનો લાભ સરળતાથી મેળવી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર, હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચારના કારણે દેશને દર વર્ષે રૂ. 36 હજાર કરોડનું નુકસાન થાય છે. 2005માં સરકારી સેવાઓ માટે દરરોજ રૂ. 21000 કરોડની લાંચ અપાઈ હતી.’

Back to top button
error: Content is protected !!