NATIONAL

સરકાર દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર FIR ન કરવાની લેખિત બાંહેધારી આપવામાં આવતા 26 માં દિવસના અંતે સોનમ વાંગચૂકે ઉપવાસ પૂર્ણ કર્યા

જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પોતાના અચોક્કસ મુદતના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સોનમ વાંગચુક કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ગત 28 જૂનથી સતત અનશન પર બેઠા હતા.

અનશન દરમિયાન સોનમ વાંગચુકની તબિયત લથડતાં સૌપ્રથમ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ કોર્ટમાં અરજી કરીને વધુ સારી સારવાર માટે વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે વાંગચુકની વર્તમાન નાજુક આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબોની સતત દેખરેખ જરૂરી છે, જેના આધારે તેમને મેદાંતા શિફ્ટ કરવામાં આવ્યા હતા.

મેદાંતા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ દાખલ વાંગચુકને મળવા માટે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા. તેમની સાથે લેહ-લદ્દાખની ‘એપેક્સ બોડી’ ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંગચુકના મુદ્દાઓ અને માંગણીઓ પર લાંબી ચર્ચા થઈ હતી.

ઉપવાસ તોડ્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં લખ્યું કે, અત્યારે જ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ અને લેહ-લદ્દાખની ‘એપેક્સ બોડી’ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મેં 26 દિવસ પછી મારૂં અનશન સમાપ્ત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ દેશની વિવિધ રાજકીય પાર્ટીઓના 65 થી વધુ સાંસદોએ મને રૂબરૂ મળીને અથવા પત્ર લખીને ઉપવાસ છોડવા માટે વિનંતી કરી હતી. આ નિર્ણય વિવિધ શરતો પર લાંબી વાટાઘાટો અને દેશમાં સંભવિત હિંસા અટકાવવાની બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હું ખૂબ જ ટૂંક સમયમાં એક અલગ વીડિયો દ્વારા આ શરતો વિશે વિગતવાર માહિતી આપીશ. તે દરમિયાન, હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે અત્યંત સતર્ક રહો.

Back to top button
error: Content is protected !!